દિલ્હી સહિત ચાર રાજ્યોમાં H1N1નું સંક્રમણ વધ્યું, લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ
નવી દિલ્હી: દેશમાં ઇન્ફ્લુએન્ઝા-એચ1એન1 એટલે કે સ્વાઇન ફ્લુના કેસમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં સંક્રમણના કેસ સામે આવતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દેશભરમાં એડવાઇઝરી જાહેર કરી લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
IMAના જણાવ્યા અનુસાર, મોસમી ફેરફારો અને અનુકૂળ વાતાવરણને કારણે H1N1 વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પણ સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોના આરોગ્ય વિભાગોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ H1N1 કોઈ નવો વાયરસ નથી. અગાઉ પણ આ વાયરસના કારણે મોટી સંખ્યામાં સંક્રમણના કેસ નોંધાઈ ચૂક્યા છે અને હાલમાં વાયરસના કોઈ નવા ગંભીર મ્યુટેશનના પુરાવા સામે આવ્યા નથી. તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે વાયરસમાં સમય સાથે ફેરફાર અથવા મ્યુટેશન થઈ શકે છે. તેથી હાલમાં સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વાઇન ફ્લુના લક્ષણોને અવગણવાને બદલે સમયસર તબીબી સલાહ લેવી જરૂરી છે. ખાસ કરીને તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
IMAએ આરોગ્ય વિભાગોને પણ કેસ પર નજર રાખવા, જરૂરી આરોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા અને સંક્રમણ વધે તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. વધતા H1N1 કેસ વચ્ચે સાવચેતી, સમયસર તપાસ અને યોગ્ય સારવારને સંક્રમણ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી છે.









