બસમાં ઘૂસી ગયેલા લોખંડના સળિયાથી મુસાફરોમાં અફરાતફરી, 20 લોકો ઈજાગ્રસ્ત
હૈદરાબાદ: તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં બુધવારે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. કોડાડ મંડલના દ્વારકુંટા નજીક હૈદરાબાદથી વિજયવાડા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ લોખંડના સળિયા ભરેલા કન્ટેનરમાં પાછળથી ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કન્ટેનરમાં ભરેલા લોખંડના સળિયા બસના આગળના ભાગને ચીરીને અંદર સુધી ઘૂસી ગયા હતા. જેના કારણે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અનેક મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થળ પર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, બસમાં કુલ 42 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 20 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસમાતની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે એક કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અકસમાતને પગલે હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી વાહનવ્યવહાર સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ અકસ્માત દુર્ગાપુરમ સ્ટેજ નજીક સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બસ કન્ટેનર સાથે કયા સંજોગોમાં અથડાઈ તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે.









