હાઈ-બીમ પર સરકારની લગામ! નવા ટૂ-વ્હીલરમાં ઓટોમેટિક હવે માત્ર લો-બીમ

હેડલાઈટની તીવ્રતા પણ થશે ઓછી : શહેરોમાં હાઈ-બીમ કરશો તો વાહન આપશે ઓડિયો એલર્ટ

નવી દિલ્હી: રાત્રિના સમયે વાહનોની હાઈ-બીમ લાઈટ સામે આવતા વાહનચાલકોની આંખો અંજાવી દેતી હોવાથી અકસ્માતનું જોખમ વધે છે. આ સમસ્યાને રોકવા માટે માર્ગ પરિવહન મંત્રાલય વાહનોના હેડલાઈટ ધોરણોમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. નવા નિયમો આગામી એપ્રિલથી અમલમાં મૂકવાની યોજના છે.

નવા ટૂ-વ્હીલરમાં લો-બીમ જ ડિફોલ્ટ

નવા નિયમો હેઠળ નવા ટૂ-વ્હીલર્સમાં ઓટોમેટિક હેડલેમ્પ ઓન (AHO) સિસ્ટમ ચાલુ થતાં ડિફોલ્ટ રીતે માત્ર લો-બીમ જ ચાલુ રહેશે. હાલની વ્યવસ્થામાં ઓટોમેટિક સેટિંગ પ્રમાણે હાઈ અથવા લો-બીમ બંને ચાલુ થઈ શકે છે.

આ નિયમ માત્ર નવા વાહનો માટે લાગુ થશે. હાલ રસ્તા પર દોડી રહેલા જૂના વાહનોને આ નિયમ લાગુ નહીં પડે.

હેડલાઈટની તીવ્રતા પણ ઘટાડાશે

નવા ધોરણોમાં વાહનોની હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવામાં આવશે. ટૂ-વ્હીલર્સ માટે મહત્તમ તીવ્રતા 1.5 લાખથી ઘટાડીને 1 લાખ કેન્ડેલા, જ્યારે કાર માટે 2.25 લાખથી ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરવામાં આવશે.

સાથે જ હેડલાઈટના સફેદ પ્રકાશનું કલર ટેમ્પરેચર મહત્તમ 6,500 કેલ્વિન રાખવામાં આવશે, જેથી સામેથી આવતા ડ્રાઈવરોને થતી અંજવાળ ઓછી થાય.

શહેરમાં હાઈ-બીમ કરશો તો મળશે ચેતવણી

શહેરી વિસ્તારોમાં બિનજરૂરી હાઈ-બીમ રોકવા માટે નવી કાર અને વાહનોમાં ઓડિયો એલર્ટ સિસ્ટમ લાવવાની પણ દરખાસ્ત છે. શહેરમાં ડ્રાઈવર હાઈ-બીમ ચાલુ કરશે તો સિસ્ટમ તેને લો-બીમ પર પાછા ફરવા માટે ઓડિયો સૂચના આપશે.

જોકે આ ચેતવણી ઝડપ સાથે જોડાયેલી હશે. હાઈવે પર 60 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચાલતું હશે ત્યારે એલર્ટ આપવામાં નહીં આવે, જેથી હાઈવે પર જરૂરી હાઈ-બીમના ઉપયોગમાં અડચણ ન આવે.

ભારે વાહનોમાં રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત

બસ અને અન્ય ભારે વાહનો માટે રાત્રે તથા ખરાબ વાતાવરણમાં વિઝિબિલિટી વધારવા રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે.

સરકારના આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ હાઈ-બીમથી થતી અંજવાળ ઘટાડવી, રાત્રિના સમયે ડ્રાઈવિંગ વધુ સુરક્ષિત બનાવવું અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો છે.

Leave a Comment

और पढ़ें