હોર્મુઝમાં ઈરાનનો નવો દાવઃ જહાજો પાસેથી ટોલ વસૂલશે, સંસદે આપી મંજૂરી

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝ જળમાર્ગને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો છે. હોર્મુઝમાંથી પસાર થતાં વ્યાવસાયિક જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવા માટે ઈરાની સંસદે પ્રસ્તાવને મંજૂરી આપી છે.

નવા પ્રસ્તાવ મુજબ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થનારા જહાજોએ ઈરાની સત્તાધિકારીઓ પાસેથી અગાઉથી મંજૂરી લેવી પડશે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર ટોલ ટેક્સ ચૂકવવો પડશે. તેના બદલામાં ઈરાન તરફથી જહાજોને વિવિધ સમુદ્રી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સેવાઓમાં નેવિગેશન માટેની મદદ, કટોકટીની સ્થિતિમાં સહાય અને વિઝા સંબંધિત સુવિધાઓનો સમાવેશ થશે. ખાસ સંજોગોમાં જહાજોને ઈંધણ પણ પૂરું પાડવામાં આવશે. ઈંધણ સહિતની સેવાઓનું પેમેન્ટ ઈરાની કરન્સી અથવા અન્ય માન્ય ચલણમાં કરી શકાશે.

ઈરાનના આ નિર્ણયને અમેરિકા સામેના શક્તિપ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં હોર્મુઝ જળમાર્ગને અમેરિકી પ્રદેશ તરીકે દર્શાવતો નકશો રજૂ કરી તેના નામમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા.

હવે ઈરાને ટોલ ટેક્સ અને પૂર્વ મંજૂરીની શરત મૂકીને હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ વચ્ચે અમેરિકાએ પણ ઈરાન સામે વધુ કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી શકે છે.

Leave a Comment

और पढ़ें