ગાંધીનગર: રાજ્યમાં સામાજિક ન્યાય અને શૈક્ષણિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ.21 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રૂ.5.99 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરકારી કુમાર છાત્રાલય તથા આણંદ જિલ્લાના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ રૂ.7.15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સરકારી કુમાર છાત્રાલયનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રૂ.4.50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા માનસિક બીમારીમાંથી સાજા થયેલી મહિલાઓ માટેના આધુનિક પુનર્વસન ગૃહનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ બોટાદ જિલ્લામાં રૂ.3.95 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા સરકારી કુમાર છાત્રાલયના પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત પણ કરાયું.
મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પછાત અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ છાત્રાલયો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ડભોડાનું પુનર્વસન ગૃહ માનસિક બીમારીમાંથી સ્વસ્થ થયેલી મહિલાઓને સન્માનજનક જીવન અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની નવી તક આપશે, જે રાજ્ય સરકારની સંવેદનશીલ પહેલનું ઉત્તમ ઉદાહરણ છે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગારલક્ષી લોન યોજના અંતર્ગત બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ વિસ્તારના કુલ 614 લાભાર્થીઓની કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા પારદર્શક રીતે પસંદગી પણ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારની પારદર્શક નીતિના કારણે યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ અને લાયક લાભાર્થીઓ સુધી પહોંચશે. આર્થિક સહાય દ્વારા અનેક યુવાનો અને નાગરિકો સ્વરોજગાર શરૂ કરી આત્મનિર્ભર બનશે અને રાજ્યના સર્વાંગી વિકાસમાં યોગદાન આપી શકશે.








