અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી ગતિવિધિ મંદ પડતાં અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ફરી એકવાર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના સંકેતો મળતાં જુલાઈના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં સારા વરસાદની આશા વધી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહથી પવનની ગતિ વધુ હોવાથી રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિ નબળી પડી હતી. હવે પવનનું જોર ધીમે ધીમે ઘટશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. અરબી સમુદ્રમાં સક્રિય મોન્સૂન ઓફશોર ટ્રફ પણ વરસાદી પ્રવૃત્તિને અનુકૂળ બનાવશે.
અનુમાન મુજબ 20 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે હાલ રાજ્યમાં વ્યાપક અથવા ભારે વરસાદની શક્યતા ઓછી હોવાનું જણાવાયું છે.
હાલ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર ઉત્તર ભારત તરફ આગળ વધવાની શક્યતા હોવાથી તેનો સીધો લાભ ગુજરાતને નહીં મળે. પરંતુ 23 જુલાઈ આસપાસ વધુ એક નવું લો-પ્રેશર સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ગુજરાત માટે વધુ અનુકૂળ સાબિત થઈ શકે છે.
જો આ સિસ્ટમ અનુમાન મુજબ આગળ વધશે તો 25થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં પણ એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવી શક્યતા હોવાથી ચોમાસું વધુ મજબૂત બનશે અને રાજ્યમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.








