મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ વાન અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 32 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ સોમવાર અને મંગળવારની મધરાત્રે આશરે 1 વાગ્યે પિકઅપ વાન શ્રમિકોને લઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન હાઈવે પર અચાનક ગાયોનું ટોળું આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં પિકઅપ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પિકઅપ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી.
અકસમાત એટલો ભયાનક હતો કે પિકઅપનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મૃતકો અને ઘાયલ થયેલા તમામ શ્રમિકો ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ડાંગરની રોપણીનું કામ પૂર્ણ કરીને પોતાના પરિવાર પાસે પરત ફરી રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં ગોહદ ચોરાહા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકોની મદદથી પિકઅપમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢી ગોહદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે.
પોલીસે 8 મૃતદેહોને મોર્ચરીમાં ખસેડી તેમની ઓળખની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ કરુણ અકસ્માતથી મૃતકોના પરિવારોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.








