ઇન્ડોનેશિયાના ફ્લોરેસ દ્વીપમાં 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ ફરી 5.7ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. નવો આંચકો એન્ડેના ઉત્તર-ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં આવ્યો હતો. USGS મુજબ તેનું કેન્દ્રબિંદુ આશરે 48.9 કિલોમીટર ઊંડાઈએ હતું અને તાત્કાલિક જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નહોતા.
આ અગાઉના 7.7ની તીવ્રતાના મુખ્ય ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલોમાં 53 લોકોનાં મોત અને 130થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી. ભૂકંપના કારણે ભૂસ્ખલન થતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને બચાવ કામગીરીને પણ મુશ્કેલી પડી હતી.
પૂર્વ નુસા તેંગારા પ્રાંતના મંગરાઈ, ઈસ્ટ મંગરાઈ અને નાગેકેઓ સહિતના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા હતા. 900થી વધુ મકાનો સંપૂર્ણપણે નષ્ટ અને 450થી વધુ મકાનોને નુકસાન થયું હતું, જ્યારે આશરે 5,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જેને બાદમાં હટાવી લેવામાં આવી હતી. સતત આફ્ટરશોક્સના કારણે હજારો લોકો ઘરની બહાર ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર બન્યા હતા.
હાલમાં રેસ્ક્યૂ ટીમો કાટમાળ અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. વીજળી અને સંદેશાવ્યવહાર ખોરવાતા તેમજ રસ્તાઓ બંધ હોવાથી બચાવ કામગીરીમાં પડકારો યથાવત છે.








