હુમલામાં બાદલ ઈજાગ્રસ્ત, એક અંગરક્ષક પણ ઘાયલ; હુમલાખોર ઝડપાયો
નાંદેડઃ અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલ છે. હુમલામાં બાદલ ઈજાગ્રસ્ત થયા છે, જોકે તેમની હાલત હાલ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, નિહંગ શીખ તરીકે ઓળખાતા એક શખ્સે બાદલ પર હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે. આ ઘટનામાં બાદલના એક અંગરક્ષકને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સુખબીર બાદલ પરિવાર સાથે નાંદેડ દર્શનાર્થે ગયા હતા. સવારે તેમણે તખ્ત શ્રી હઝૂર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. હુમલા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હુમલામાં ઈજા ગંભીર હોવા છતાં બાદલ પોતાના પગે હોસ્પિટલની અંદર પહોંચ્યા હોવાનું જણાવાયું છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસરના સુવર્ણ મંદિર પાસે પણ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. તે સમયે હુમલાખોરે ગોળી ચલાવી હતી, જોકે ગોળી નિશાન ચૂકી જતા બાદલનો બચાવ થયો હતો.








