ઇરાન-અમેરિકા યુદ્ધની અસરઃ બાંગ્લાદેશમાં ઊર્જા સંકટ

રાત્રે 8 વાગ્યા બાદ શોપિંગ મોલ, બજારો અને દુકાનો બંધ કરવાનો આદેશ

ઢાકાઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા સંકટની અસર હવે બાંગ્લાદેશના સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે. વીજળી અને ઈંધણની અછતને પહોંચી વળવા બાંગ્લાદેશ સરકારે દેશભરમાં દુકાનો, બજારો અને શોપિંગ મોલના સમય પર નિયંત્રણ લાદ્યું છે.

સરકારના નવા આદેશ મુજબ, સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ દુકાનો અને બજારો ખુલ્લાં રાખી શકાશે. ઊર્જાની બચત માટે સાંજે 7 વાગ્યા બાદ રોશનીવાળા હોર્ડિંગ્સ અને જાહેરાતના બિલબોર્ડ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત સજાવટી લાઇટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેળા, ટ્રેડ ફેર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ નિયમો માત્ર ઢાકા પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા છે.

જોકે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, ખાણી-પીણીની દુકાનો અને અન્ય આવશ્યક સેવાઓને આ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે બાંગ્લાદેશની ઈંધણ આયાત પર પણ અસર પડી છે. ગેસ અને ઈંધણની અછતને કારણે દેશના અનેક વિસ્તારોમાં પાવર કટની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વીજ ઉત્પાદનને પણ અસર થઈ રહી છે.

ઊર્જા સંકટ વચ્ચે બાંગ્લાદેશે ભારત પાસે મદદ માંગી છે. બાંગ્લાદેશના ઊર્જા મંત્રાલયના અધિકારીઓએ ભારત સાથેની પાઈપલાઈન મારફતે વધુ ડીઝલ સપ્લાય કરવાની વિનંતી કરી હોવાનું જણાવાયું છે.

જો પશ્ચિમ એશિયાનું યુદ્ધ લાંબું ચાલશે તો ઈંધણની આયાતમાં વધુ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ભારત સહિત અન્ય દેશો પાસેથી ઊર્જા પુરવઠાના વિકલ્પો શોધી રહ્યું છે.

Leave a Comment

और पढ़ें