રસ્તા-પુલો તણાયા તો ડ્રોન બન્યા ‘દેવદૂત’, ખોરાક-દવા સાથે મૃતદેહો પણ પહોંચાડ્યા
કાઠમંડુ: નેપાળમાં આવેલા વિનાશકારી પૂરે ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં રસ્તા અને પુલો તણાઈ જતા બચાવકર્મીઓ માટે અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં હવે ડ્રોન બચાવ કામગીરીમાં ‘દેવદૂત’ બનીને સામે આવ્યા છે. ડ્રોન દ્વારા માત્ર ખોરાક, પાણી અને દવાઓ જ નહીં, પરંતુ દુર્ગમ વિસ્તારોમાંથી મૃતદેહોને બહાર કાઢીને તેમના પરિવારજનો સુધી પહોંચાડવામાં પણ મદદ લેવામાં આવી રહી છે.
નુવાકોટના દેવીઘાટ-3થી 7 જેટલા મૃતદેહોને ડ્રોનની મદદથી દેવીઘાટ-5 સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ વિસ્તાર એટલો દુર્ગમ અને જોખમી હતો કે બચાવકર્મીઓ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. આ કામગીરીમાં નેપાળ પોલીસ, નેપાળી સેના અને ડ્રોન બનાવતી કંપની ગરુડએક્સની ટીમ સામેલ હતી.
પૂરગ્રસ્ત દેવીઘાટ-3માં AIથી સજ્જ ડ્રોન લોકોની જરૂરિયાતો શોધી રહ્યા છે. ડ્રોનમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર દ્વારા લોકોને પૂછવામાં આવે છે કે તેમને પાણી, દવા કે ખોરાકની જરૂર છે કે નહીં. જવાબ આપવા માટે લોકોને હાથ ઊંચો કરવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી સામગ્રી ડ્રોન મારફતે તેમના સુધી પહોંચાડવામાં આવે છે.
સુરંગોમાં પણ ડ્રોનનો ઉપયોગ
બચાવ કામગીરી દરમિયાન અપર ત્રિશુલી-1 હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં પણ ડ્રોન મોકલવામાં આવ્યા હતા. પૂર બાદ સુરંગમાં અનેક કામદારો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ડ્રોન ઓપરેટર આદર્શ ભુસાલના જણાવ્યા મુજબ સુરંગની અંદર પાણી અને મોટા પ્રમાણમાં ખડકો જોવા મળ્યા હતા, પરંતુ કોઈ વ્યક્તિ જીવિત હોવાના સંકેત મળ્યા નથી.
અનેક સુરંગોમાં શોધખોળ ચાલુ
બચાવ દળો હજુ પણ લાપતા લોકોની શોધખોળમાં લાગેલા છે. અનેક હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગો કાદવ, માટી અને કાટમાળથી ભરાઈ ગઈ છે. બચાવકર્મીઓ કેટલીક જગ્યાએ કાટમાળ હટાવી રહ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ ડ્રિલિંગ કરીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જરૂર પડે ત્યાં વિસ્ફોટ કરીને પણ માર્ગ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
હાલ સુધી અનેક સુરંગોમાંથી જીવિત લોકોને શોધવામાં સફળતા મળી નથી અને મૃતદેહો જ મળી રહ્યા છે. તેમ છતાં બચાવ દળોનું કહેવું છે કે તેઓ આશા છોડશે નહીં અને લાપતા લોકોની શોધ ચાલુ રાખશે.
ભારતીય મૂળના ચાર અમેરિકનો પણ લાપતા
નેપાળની પૂરની તબાહીમાં ટેક્સાસમાં રહેતા ભારતીય મૂળના ચાર અમેરિકનો પણ લાપતા થયા છે. એક એનજીઓ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે એક લાખ અમેરિકી ડોલરની સહાય જાહેર કરવામાં આવી છે.
નોર્થ ટેક્સાસમાં વ્યવસાય કરતા દીપક આહુજા (60) અને મધુ આહુજા (57) સહિત ચાર લોકો કૈલાસ માનસરોવર યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા. પૂર બાદ ચીન-નેપાળ સરહદ નજીક ગ્યિરોંગ પોર્ટ પાસે તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
નેપાળમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. રસ્તા અને પુલો નષ્ટ થતાં દુર્ગમ વિસ્તારોમાં પહોંચવું પડકારરૂપ બન્યું છે, ત્યારે ડ્રોન ટેક્નોલોજી બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.









