વાઈબ્રન્ટ ગુજરાત 2027 માટે દિલ્હીમાં કર્ટન રેઈઝર કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રીઓની હાજરી; રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

નવી દિલ્હી: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2027ની તૈયારીઓના ભાગરૂપે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કર્ટન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની વિકાસયાત્રા રજૂ કરી

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન ગુજરાતે કરેલી પ્રગતિ અને સફળતાની આ ઉજવણી છે.

તેમણે કહ્યું કે ગુજરાતે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને હવે રાજ્ય નવી ઊર્જા તથા નવી તકો સાથે આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના નેતૃત્વને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.

‘તમારા સપના લઈને ગુજરાત આવો’

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ-વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીઓની પરંપરા ઓછું બોલવાની અને વધુ સાંભળવાની રહી છે. તેથી ગુજરાત સરકાર રોકાણકારોની જરૂરિયાતો, સૂચનો અને વિચારોને સાંભળવા માટે તૈયાર છે.

હર્ષ સંઘવીએ રોકાણકારોને સંબોધતા કહ્યું કે તેઓ પોતાના સપના અને વિચારો સાથે ગુજરાત આવે, સરકાર તેને સાકાર કરવા માટે જરૂરી સહયોગ આપવા પ્રતિબદ્ધ છે.

રોકાણની નવી તકો પર ફોકસ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2027ને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની રોકાણની તકો, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યની વિકાસ દિશા અંગે રોકાણકારો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

કર્ટન રેઈઝર કાર્યક્રમ દ્વારા ગુજરાતે દેશ-વિદેશના ઉદ્યોગજગતને આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા અને રાજ્યમાં નવા રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતને વૈશ્વિક રોકાણના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે વાઈબ્રન્ટ ગુજરાત 2027 માટેની તૈયારીઓનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें