મોરબી નજીક દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

700 લિટર દેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો : રૂ.5.55 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી :
મોરબી તાલુકા પોલીસે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી છે. પોલીસની તપાસમાં કારમાંથી 700 લિટર દેશી દારૂ મળી આવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ, કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ક્રેટા કાર રોકી તપાસ કરતા દારૂ મળ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ લાલપર ગામ પાસે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વાંકાનેર તરફથી લાલપર થઈ મોરબી તરફ આવી રહેલી સફેદ રંગની ક્રેટા કાર નં. GJ-10-CG-4630ને રોકી તપાસ કરવામાં આવી હતી.

કારની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવતા પોલીસે કારમાં સવાર શખ્સને કબજે લીધો હતો.

દારૂ સહિત રૂ.5.55 લાખનો મુદ્દામાલ

આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ.5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 700 લિટર દેશી દારૂની કિંમત રૂ.1.40 લાખ, ક્રેટા કારની કિંમત રૂ.4 લાખ અને બે મોબાઈલ ફોનની કિંમત રૂ.15 હજાર હોવાનું સામે આવ્યું છે.

પૂછપરછમાં ત્રણ નામ ખુલ્યાં

ઝડપાયેલા આરોપીની ઓળખ સલીમ ઉર્ફે સલો બાબુભાઈ વિકિયાણી, રહે. સરાયા, તાલુકો ટંકારા, તરીકે થઈ છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે ઈરફાન, સદ્દામભાઈ જામ અને સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણ, ત્રણેય રહે. મોરબી,ના નામ સામે આવ્યા છે.

આથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બાકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.

પીઆઈની સૂચનાથી કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें