રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે મારામારી

પુણેની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની નોંધણી મુદ્દે ઘર્ષણ, પોલીસની દોડધામ

પુણેમાં આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના છે, ત્યારે કાર્યક્રમ પહેલાં જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

પુણેની સીઈઓપી ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરો વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરાવી રહ્યા હતા. ત્યારે ABVPના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને NSUI દ્વારા વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજરી આપવા માટે કથિત રીતે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને વિરોધ કર્યો હતો.

વિરોધ ધીમે ધીમે ઉગ્ર બન્યો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ હાથોહાથની મારામારી થઈ હતી. ઘટનાને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

= પોલીસનો કાફલો કેમ્પસમાં પહોંચ્યો

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક યુનિવર્સિટી પરિસરમાં પહોંચી હતી. પોલીસે બંને જૂથોને અલગ કર્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બંને પક્ષો સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા 30 જેટલી શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.

= જંતર મંતરના આંદોલન બાદ વિદ્યાર્થી મુદ્દો ગરમાયો

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થી મુદ્દે થયેલા આંદોલનને લઈને રાજકીય ગરમાવો છે. આંદોલન દરમિયાન ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીની FIR નોંધાવવા માટે રાહુલ ગાંધીએ લાંબા સમય સુધી ધરણાં કર્યા બાદ પોલીસ કાર્યવાહી માટે મજબૂર થઈ હોવાનો કોંગ્રેસનો દાવો છે.

આ પૃષ્ઠભૂમિમાં પુણેમાં યોજાનારો ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ વધુ મહત્વનો બન્યો છે.

= કોટાથી શરૂઆત, વિદ્યાર્થીઓના અવાજને પ્રાધાન્ય

રાહુલ ગાંધી દ્વારા દેશના વિવિધ શહેરોમાં ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કાર્યક્રમની શરૂઆત કોટાથી થઈ હતી અને ત્યારબાદ પ્રયાગરાજમાં પણ કાર્યક્રમ યોજાયો હતો.

કોંગ્રેસનો દાવો છે કે આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો, શિક્ષણ, રોજગાર અને તેમના અધિકારોને ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં જ NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણે પુણેમાં રાજકીય માહોલ ગરમાવી દીધો છે. હવે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી સંગઠનોની પ્રતિક્રિયા અને સુરક્ષા વ્યવસ્થા પર સૌની નજર રહેશે.

Leave a Comment