નીટ પેપર લીક કેસમાં CBIનું 20 હજાર પાનાનું ચાર્જશીટ: ત્રણ પેપર સેટરને ગણાવ્યા માસ્ટરમાઈન્ડ

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ દાખલ, દસ્તાવેજ અધૂરા હોવાથી 3 ઓગસ્ટે થશે સુનાવણી

નવી દિલ્હી: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આશરે 20 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું છે. જોકે, જરૂરી દસ્તાવેજો પૂર્ણરૂપે રજૂ ન થતાં કોર્ટે કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.

CBIના ચાર્જશીટમાં કુલ 13 આરોપીઓના નામ સામેલ છે. તપાસ મુજબ બાયોલોજીના નિષ્ણાત મનીષા મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદારને સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રના લાતુરમાં કોચિંગ સંસ્થા ચલાવતા શિવાજી રઘુનાથે પ્રશ્નપત્ર ખરીદી અને વેચાણનું નેટવર્ક ઉભું કર્યું હતું. આરોપ છે કે તેણે કેમિસ્ટ્રીનું પ્રશ્નપત્ર રૂ. 5 લાખમાં મેળવી અન્ય લોકો સુધી પહોંચાડ્યું હતું. આ કેસમાં પોતાના પુત્ર માટે પ્રશ્નપત્ર ખરીદનાર એક તબીબ સહિત અન્ય વચેટિયાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

CBIના જણાવ્યા અનુસાર પરીક્ષા પહેલાં જ 111 પ્રશ્નો અને તેમના જવાબો ગેરકાયદેસર રીતે બહાર પહોંચાડવામાં આવ્યા હતા. વાયરલ થયેલી PDF અને મૂળ પ્રશ્નપત્ર વચ્ચે નોંધપાત્ર સમાનતા પણ તપાસમાં સામે આવી હોવાનું ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ નીટ પરીક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ 7 મેએ પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો સામે આવ્યા હતા. સમગ્ર મામલે CBIની તપાસ હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें