રશિયા પાસેથી તેલ ખરીદવું ભારતને પડી શકે મોંઘું: અમેરિકાની 100% ટેરિફની તૈયારી

રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારત માટે મોંઘી સાબિત થઈ શકે છે. અમેરિકા રશિયાના મુખ્ય વેપારી ભાગીદાર દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગેના વિધેયકમાં ભારત સહિત 10 દેશોના નામ સ્પષ્ટ રીતે સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

અમેરિકી પ્રતિનિધિ સભામાં રશિયા પર પ્રતિબંધ સાથે જોડાયેલા વિધેયકની સમયમર્યાદા નજીક આવી રહી છે ત્યારે સાંસદો દ્વારા તેમાં અનેક સંશોધનો રજૂ કરવામાં આવ્યા છે. એક સંશોધનમાં રશિયાના મુખ્ય વેપારી ભાગીદાર દેશોના નામ સ્પષ્ટપણે સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

ડેમોક્રેટિક સાંસદ સ્ટેની હોયરે રજૂ કરેલા સંશોધનમાં ચીન, ભારત, તુર્કીયે, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાકિયા, યુએઈ, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિઝસ્તાનને સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આ દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની જોગવાઈ થઈ શકે છે.

આ દરખાસ્ત એવા સમયે સામે આવી છે જ્યારે ‘સેન્કશનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ’ને અમેરિકી પ્રતિનિધિ સભામાંથી પસાર કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ બિલને અમેરિકી સેનેટે ગત મહિને 86-11ની ભારે બહુમતીથી મંજૂરી આપી હતી.

વિધેયકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના મુખ્ય તેલ વેપારી ભાગીદાર દેશો, જેમાં ભારત અને ચીનનો પણ સમાવેશ થાય છે, તેમના પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપવાની જોગવાઈ છે. હવે બિલને રાષ્ટ્રપતિની સહી માટે મોકલતા પહેલાં પ્રતિનિધિ સભાની મંજૂરી જરૂરી છે.

બીજી તરફ ડેમોક્રેટિક સાંસદ ગ્રેગરી મીક્સે આ વધારાના ટેરિફની જોગવાઈનો વિરોધ કર્યો છે. તેમણે બિલની કલમ 113ને સંપૂર્ણપણે દૂર કરવા માટે સંશોધન રજૂ કર્યું છે, જેને અન્ય ત્રણ સાંસદોનું સમર્થન પણ મળ્યું છે.

Leave a Comment