કેન્દ્ર સરકારે BSNL, MTNL અને RINLની આશરે ₹13,500 કરોડની રિયલ એસ્ટેટ મિલકતોનું મોનેટાઇઝેશન કરવાની મંજૂરી આપી છે. આ મિલકતો વેચાણ અથવા લીઝ પર આપવામાં આવશે. હવે નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન (NLMC) તેને બજારમાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરશે.
આ યોજના હેઠળ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, ગોવા અને કોલકાતા જેવા 6 મોટા શહેરોમાં આવેલી 23 પ્રાઇમ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે, જે આશરે 200 એકરમાં ફેલાયેલી છે. દિલ્હીના ચાણક્યપુરી, હૌઝ ખાસ, વસંત વિહાર અને નેતાજી નગરમાં આવેલી MTNLની કિંમતી મિલકતો પણ તેમાં સામેલ છે.
NLMC દ્વારા મિલકતોની વેલ્યુએશન માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને માન્ય મૂલ્યાંકનકારોની મદદ લેવામાં આવી રહી છે. સરકારનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ₹7,500 કરોડ ઊભા કરવાનું છે, જ્યારે બાકીની મિલકતોનું મોનેટાઇઝેશન 2027-28માં પૂર્ણ કરાશે.
શહેરોના પ્રાઇમ લોકેશન પર આવેલી આ મિલકતોને કારણે સરકારને બજાર કિંમત કરતાં સારો પ્રીમિયમ મળવાની અપેક્ષા છે.








