ભાજપની જેન-ઝી સાથે જોડાણ વધારવા કવાયત

નિતીન નબીનની 45 યુવા નેતાઓ સાથે બેઠક : સોશિયલ મીડિયા અને યુવાનોના મુદ્દાઓ પર મંથન

નવી દિલ્હી :
જંતર-મંતર ખાતેના આંદોલન બાદ ભાજપમાં જેન-ઝી યુવા વર્ગને લઈને ચર્ચા તેજ બની છે. નવી પેઢી સાથે પક્ષનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનએ આજે પક્ષના મહામંત્રીઓ સહિત આશરે 45 યુવા નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.

આ બેઠકમાં ખાસ કરીને જેન-ઝી યુવાનોને ભાજપ સાથે કેવી રીતે જોડવા, તેમની સાથે સંવાદ કેવી રીતે વધારવો અને તેમના મુદ્દાઓને સમજવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી બે-ત્રણ યુવા નેતાઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા.

ગુજરાતમાંથી ત્રણ નેતાઓ બેઠકમાં જોડાયા

ગુજરાતમાંથી યુવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બેઠકમાં હાજર રહ્યા હતા.

આ ઉપરાંત સાંસદ રવિ કિશન, સ્મૃતિ ઈરાની, યોગેન્દ્ર ચંદોલીયા, રાજુ બિષ્ટા, છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા તથા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપનું સોશિયલ મીડિયા વધુ સક્રિય બનાવાશે

લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ભાજપના આઈટી સેલ અને સોશિયલ મીડિયા ટીમને વધુ સક્રિય બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. યુવા વર્ગ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય હોવાથી તેમના સુધી પક્ષની વાત પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરવા અંગે નેતાઓએ પોતાના સૂચનો આપ્યા હતા.

દરેક રાજ્યના નેતાઓ પોતાના વિસ્તારના યુવાનોના મુદ્દાઓ અંગે ફીડબેક આપશે અને તે આધારે જેન-ઝીના પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે. આ દરમિયાન યુવાનોની લાગણી અને સન્માનને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવા પણ ભાર મૂકાયો હતો.

યુવાનો સાથે સીધો સંવાદ વધારવાનો પ્રયાસ

જંતર-મંતર આંદોલન બાદ ભાજપ હવે નવી પેઢી સાથે સીધો સંપર્ક વધારવા અને તેમના પ્રશ્નોને સમજવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નિતીન નબીનની આ બેઠકને ભાજપની યુવા વર્ગ સાથે સંવાદ મજબૂત કરવાની મહત્વપૂર્ણ કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Comment