કુવાડવા ચોકડી પાસે 4.95 લાખના ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયો

9.900 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો; ચોથી વખત ખેપ લઈને આવ્યો હોવાની કબૂલાત

રાજકોટ: રાજકોટ શહેરની ભાગોળે આવેલી કુવાડવા ચોકડી નજીક એસઓજીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી રૂ.4.95 લાખની કિંમતના 9.900 કિલોગ્રામ ગાંજા સાથે બિહારના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.5,00,520નો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમીના આધારે વોચ ગોઠવી

શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સપ્લાય સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે પાસવાન નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને કુવાડવા ચોકડી નજીક આવવાનો છે.

બાતમીના આધારે પોલીસે કુવાડવા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપેન્દ્ર પાસવાન ત્યાં પહોંચતા પોલીસે તેને કોર્ડન કરી તેની અંગજડતી લીધી હતી.

9.900 કિલો ગાંજો મળી આવ્યો

અંગજડતી દરમિયાન આરોપી પાસેથી 9.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત રૂ.4.95 લાખ આંકી છે. આ સાથે મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.5.00 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીની ઓળખ ઉપેન્દ્ર બહાદુરરામ પાસવાન (ઉંમર 35 વર્ષ, રહે. ભોજપુર, બિહાર) તરીકે થઈ છે.

ચોથી વખત ગાંજાની ખેપ લાવ્યાની કબૂલાત

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ચોથી વખત ગાંજાની ખેપ લઈને રાજકોટ આવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. તે રાજકોટમાં મહંમદ નામના શખ્સને ગાંજાનો જથ્થો પહોંચાડવાનો હતો.

જોકે, ગાંજાની ડિલિવરી કરે તે પહેલાં જ એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો.

મહંમદ નામના રિસીવરની શોધખોળ

આરોપીની ધરપકડ બાદ પોલીસે હવે ગાંજાનો જથ્થો સ્વીકારનાર મહંમદ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ગાંજા સપ્લાય ચેઇનમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

‘સે નો ટુ ડ્રગ્સ’ હેઠળ કાર્યવાહી

રાજકોટ શહેરમાં યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા અને નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન હેઠળ પેડલરો અને નશાના નેટવર્ક સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

Leave a Comment