એશિયન ગેમ્સ 2026ના 9મા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેડલની આશાઓ વધુ મજબૂત બનાવી છે. મહિલા કુરાશના 78 કિગ્રા વર્ગમાં પિન્કી બલહારાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની લિમ ગરામને 3-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે પિન્કીએ ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે.
પુરુષ વોલીબોલમાં પણ ભારતે વિજયનો સિલસિલો જાળવી રાખ્યો હતો. કેપ્ટન જેરોમ વિનિથના નેતૃત્વમાં ભારતીય ટીમે હોંગકોંગને 25-22, 25-19 અને 25-21થી સીધા સેટોમાં હરાવ્યું હતું. વિયેતનામ બાદ હોંગકોંગ સામેની આ સતત બીજી જીતથી ભારતે પૂલ-સીમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.
મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ભારતને ખૂબ જ નજીકના અંતરે મેડલથી વંચિત રહેવું પડ્યું હતું. જોકે, ભારતીય ટીમે પરિણામ સામે નિયમ મુજબ 50 યુરોની ફી ભરીને સત્તાવાર અપીલ કરી છે. હવે ભારતીય કેમ્પ અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.
વ્યક્તિગત ક્વોલિફિકેશનમાં ઈશા સિંહે 580નો સ્કોર કરીને ફાઇનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે, જ્યારે મનુ ભાખર 579ના સ્કોર સાથે ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ટેનિસમાં અંકિતા રૈના અને ઋતુજા ભોસલેની જોડીએ મહિલા ડબલ્સમાં કઝાકિસ્તાન સામે અભિયાન શરૂ કર્યું હતું, જ્યારે સુમિત નાગલની સિંગલ્સ મેચ ખરાબ હવામાનને કારણે મોડી પડી હતી. સ્ક્વોશમાં શમીના રિયાઝ 2-0ની લીડ મેળવ્યા બાદ ચીનની યિન જિયુઆન સામે 2-3થી હારી ગઈ હતી.
હવે એથલેટિક્સમાં અવિનાશ સાબલે, શ્રીશંકર મુરલી અને રોહિત યાદવ સહિતના ભારતીય ખેલાડીઓ પાસેથી વધુ મેડલની અપેક્ષા છે.









