ઉજ્જૈનમાં સિંહસ્થ-2028ની તૈયારીઓ વચ્ચે રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન શાહી મસ્જિદના રસ્તામાં આવતા કેટલાક ભાગને હટાવવાની કાર્યવાહી શરૂ થતાં તણાવ સર્જાયો હતો. કાર્યવાહીનો વિરોધ કરી રહેલી ભીડ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
પથ્થરમારાની ઘટનામાં એક મહિલા પોલીસ અધિકારી સહિત કેટલાક લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે 10 લોકો સામે FIR નોંધી છે અને પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પ્રશાસન મુજબ સિંહસ્થ-2028 દરમિયાન ઉજ્જૈનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોવાથી માસ્ટર પ્લાન હેઠળ રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. માર્ગના એલાઇનમેન્ટમાં આવતા બાંધકામો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, શાહી મસ્જિદના ભાગને હટાવવાની કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરતાં સ્થિતિ તંગ બની હતી.
ઘટના દરમિયાન ભીડ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને નારાબાજી પણ થઈ હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. કાર્યવાહી બાદ પણ કેટલાક સ્થળે ફરી પથ્થરમારાની ઘટના બનતાં પોલીસને સતર્ક રહેવું પડ્યું હતું.
શહેર કાજી ખલીકુર રહેમાને લોકોને અફવાઓથી દૂર રહેવાની અને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મસ્જિદને લઈને ચાલી રહેલો મામલો અગાઉ જ ઉકેલાઈ ગયો હતો અને લોકોને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું.
ઉજ્જૈન કલેક્ટર રોશનસિંહે જણાવ્યું કે સિંહસ્થ-2028ને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા પાયે નિર્માણ અને વિકાસકાર્યો ચાલી રહ્યા છે. માસ્ટર પ્લાન મુજબ માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે માર્ગના કામમાં રસ્તાની વચ્ચે આવતા વિવિધ બાંધકામોને હટાવવામાં આવી રહ્યા છે અને આ પ્રક્રિયામાં વિવિધ ધર્મ-સમુદાયના લોકો સ્વૈચ્છિક રીતે સહયોગ આપી રહ્યા છે.
ઘટનાને પગલે વિસ્તારમાં હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પોલીસ તથા પ્રશાસન દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.








