તહેવારો પહેલા AC, TV સહિતના ઇલેક્ટ્રોનિક્સ 8% સુધી મોંઘા થવાની શક્યતા

તહેવારોની સીઝન પહેલા AC, LED TV, વોશિંગ મશીન, ફ્રિજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ અને ઘરગથ્થુ ઉપકરણોના ભાવમાં 5થી 8% સુધીનો વધારો થઈ શકે છે. કાચા માલના વધતા ભાવને કારણે અનેક કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં છે.

કંપનીઓના જણાવ્યા મુજબ તાંબું, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક અને કાચા તેલના વધેલા ભાવ ઉપરાંત પરિવહન ખર્ચ અને વિદેશી ચલણમાં ઉતાર-ચઢાવને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં આ ત્રીજો ભાવવધારો બની શકે છે.

ACના ભાવમાં 5થી 8% જ્યારે કેટલીક કંપનીઓ વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને LED TVના ભાવમાં 3થી 4% સુધીનો વધારો કરી શકે છે. જોકે, કેટલીક કંપનીઓ હજુ બજારની સ્થિતિ અને ગ્રાહક માંગનું મૂલ્યાંકન કરી રહી છે.

તાંબાના ભાવમાં પણ મોટો વધારો થયો છે. ગયા વર્ષે 8,000થી 9,000 ડોલર પ્રતિ ટન આસપાસ રહેલો તાંબાનો ભાવ વધીને આશરે 14,500 ડોલર પ્રતિ ટન થયો છે. એક ACમાં સરેરાશ 3થી 4 કિલો તાંબાનો ઉપયોગ થતો હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે.

તહેવારો દરમિયાન સામાન્ય રીતે નવરાત્રીથી દિવાળી સુધી ઇલેક્ટ્રોનિક્સ અને ઘરગથ્થુ ઉપકરણોની ખરીદીમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં ભાવવધારો ગ્રાહકોની માંગને અસર કરી શકે તેવી ચિંતા પણ કંપનીઓમાં જોવા મળી રહી છે.

Leave a Comment

और पढ़ें