‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ સરકારી શાળાની સ્થિતિ જોવા પહોંચેલી ટીમને ગ્રામજનોએ રોકી : પથ્થરમારો, વાહનોના કાચ તૂટ્યા
જયપુર: રાજસ્થાનમાં સરકારી શાળાઓની સ્થિતિ અંગે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન ચલાવી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ટીમ પર જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં ગ્રામજનોએ હુમલો કર્યાનો આક્ષેપ થયો છે. CJPના સહ-સંયોજક આશુતોષ રાંકા સહિતના કાર્યકરો ટીમમાં સામેલ હતા.
CJPના જણાવ્યા મુજબ, ગામની સરકારી પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત હોવાથી શાળા તબેલામાં ચાલી રહી હોવાની માહિતી મળતાં ટીમ તપાસ માટે પહોંચી હતી. જોકે, ગામમાં પ્રવેશતા જ ગ્રામજનોએ ટીમને અટકાવી વિરોધ શરૂ કર્યો હતો.
બોલાચાલી બાદ પથ્થરમારો અને મારામારી
ટીમ અને ગ્રામજનો વચ્ચે શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રસ્તા પર બેરિકેડ મૂકી CJPના વાહનો અટકાવવામાં આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
CJPનો આક્ષેપ છે કે ટીમ શાળા તરફ જવા પ્રયાસ કરતી વખતે કેટલાક ગ્રામજનોએ કાર્યકરોને લાકડીઓ અને બેલ્ટ વડે માર માર્યો હતો. કાર્યકરોને રસ્તા અને ખેતરોમાં દોડાવી આશરે 400 મીટર સુધી ભગાડવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે.
કાફલા પર પથ્થરમારો, વાહનોને નુકસાન
હુમલા દરમિયાન કાફલા પર પથ્થરમારો થતાં વાહનોના કાચ તૂટી ગયા હોવાનો CJPએ આક્ષેપ કર્યો છે. કાર્યકરોને ‘આતંકવાદી’ અને ‘નક્સલી’ કહીને માર મારવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ગ્રામજનોનું કહેવું છે કે શાળાના સમારકામ માટે સરકાર દ્વારા રૂ.12 લાખનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે અને આ મુદ્દાનું રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે.
આશુતોષ રાંકાએ શિક્ષણ મંત્રી સામે આક્ષેપ કર્યો
ઘટના બાદ આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા મારફતે આક્રોશ વ્યક્ત કરી હુમલા પાછળ રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરના ઈશારે કાર્યવાહી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
રાંકાએ મહિલા કાર્યકરો સાથે પણ ગેરવર્તણૂક થયાનો તથા એક સ્વયંસેવકનો હાથ ભાંગી ગયો હોવાનો દાવો કર્યો છે.
48 કલાકનું અલ્ટીમેટમ
આશુતોષ રાંકાએ પોલીસ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હુમલાના આરોપીઓની ધરપકડ નહીં થાય અને સરકારી શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ અંગેનો પ્રતિબંધ દૂર નહીં કરવામાં આવે તો શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સમગ્ર રાજસ્થાનમાં આંદોલન કરવાની ચેતવણી આપી છે.
હાલ સમગ્ર મામલે CJP અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે પોલીસ તપાસ અને સત્તાવાર કાર્યવાહી બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.









