રાજકોટ રેલવે સ્ટેશનના ગાંજા કેસમાં ફરાર આરોપી ઝડપાયો

18.467 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયા બાદ ભાગી ગયેલો યુપીનો શખ્સ ટ્રેનમાં વતન જવા નીકળે તે પહેલાં એલસીબીએ દબોચ્યો

રાજકોટઃ રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.9.41 લાખની કિંમતના 18.467 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયા બાદ પોલીસને ચકમો આપી ફરાર થયેલા તેના સાગરીતને પણ રેલવે એલસીબીએ ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશમાં પોતાના વતન ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

રેલવે એલસીબી પીઆઈ જે.આર. દેસાઈની રાહબરી હેઠળ પીએસઆઈ જે.એમ. પરમાર અને ટીમે તા. 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર વાંકાનેર તરફના છેડા પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ રીતે વજનદાર ટ્રોલી બેગ લઈને ફરતા નજરે પડતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એક શખ્સ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો.

પોલીસે સ્થળ પરથી કર્મવીર પાટીલ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની ટ્રોલી બેગની તલાશી લેતાં અંદરથી 18.467 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.9.41 લાખ હોવાનું સામે આવ્યું હતું. ગાંજો કબજે કરી કર્મવીર પાટીલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ હતી.

દરમિયાન રેલવે એલસીબીના કોન્સ્ટેબલ હસમુખભાઈ રાઘવભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર આરોપી રાજકોટથી ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાની તૈયારીમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી **હર્ષસિંહ લલકસિંહ (ઉં.વ.25, રહે. તેદુરા, બાંદા, યુપી)**ને ઝડપી પાડ્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ જે.એમ. પરમાર, એએસઆઈ હરપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ તથા કોન્સ્ટેબલ હસમુખભાઈ, ભુપતભાઈ, જયેશભાઈ અને દિવ્યરાજસિંહ જોડાયા હતા. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ સહિત ગાંજાના જથ્થા અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें