ચુડામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ વરસાદ 50 ટકાની નજીક
અમદાવાદ: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર તરફ વળાંક લીધો છે. શુક્રવારે વહેલી સવારથી સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને બોટાદ સહિતના જિલ્લાઓમાં વ્યાપક વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાજા વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ વરસાદ 50 ટકાની નજીક પહોંચ્યો હોવાનું અનુમાન છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો હતો. ચુડામાં 3.50 ઇંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે વઢવાણમાં 2.56 ઇંચ, મોરબીમાં 1.61 ઇંચ, ટંકારામાં 1.46 ઇંચ તેમજ મૂળી, લીમડી અને લખતરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત સાયલા, પડધરી, ધ્રોલ, ધ્રાંગધ્રા, કુકાવાવ, રાણપુર, ચોટીલા, વાંકાનેર, બોટાદ, જોડિયા, કાલાવડ, બાબરા અને થાનગઢ સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા, ભુજ, મુંદ્રા, જસદણ, ગોંડલ, જેતપુર, જામનગર, લોધિકા, જામકંડોરણા અને ભાણવડ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહ્યો હતો.
રાજ્યભરમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સવારે 6 વાગ્યા સુધી 48.81 ટકા વરસાદ નોંધાયો હતો અને આજે પડેલા વરસાદને કારણે આ આંકડો 50 ટકાને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









