કચ્છના વાયોર પોલીસ સ્ટેશનના PSI સામે લાંચ સ્વીકારવાના ગંભીર આરોપો વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ગુનો નોંધ્યો છે. ફેક્ટરી ચાલુ રાખવા અને હેરાનગતિ ન કરવા બદલ ₹50 હજારની લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારવા માટે PSIએ ભુજના ગાયત્રી મંદિર નજીક જાહેર રોડ પર બોલાવ્યા હતા. બંને પક્ષો વચ્ચે ₹50 હજારની લાંચનો સોદો થયો હોવાનું સામે આવ્યું છે.
ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, ટ્રેપની ગંધ આવી જતાં આરોપી PSIએ ફરિયાદી પાસેથી ₹40 હજારની રકમ સ્વીકારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે ACBએ આરોપી પોલીસ અધિકારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર PSIને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
લાંચિયા અધિકારીઓ સામે ACBની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.










