અભિષેક શર્મા પાસે રોહિત શર્માનો રેકોર્ડ તોડવાની તક: પ્રથમ ઓવરમાં એક સિક્સર સાથે રચાશે ઇતિહાસ

અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં નજર અભિષેક પર: ઓપનર તરીકે વોર્નરને પાછળ છોડવાની પણ તક

નવી દિલ્હી: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20I શ્રેણીની બીજી મેચ આજે નવી દિલ્હીમાં રમાશે. પ્રથમ મેચમાં તોફાની બેટિંગ કરીને 32 બોલમાં 82 રન બનાવનાર અભિષેક શર્મા પર ફરી એકવાર સૌની નજર રહેશે. પ્રથમ મેચમાં તેણે 7 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ મેચમાં અભિષેક શર્મા પાસે રોહિત શર્માનો એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. T20Iમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે અભિષેક હાલમાં રોહિતની બરાબરી પર છે. બંનેએ પ્રથમ ઓવરમાં અત્યાર સુધી 12-12 છગ્ગા ફટકાર્યા છે. જો અભિષેક આજે પ્રથમ ઓવરમાં એક છગ્ગો ફટકારશે, તો તે રોહિતને પાછળ છોડી દેશે.

રોહિતે પ્રથમ ઓવરમાં 401 બોલનો સામનો કરીને 12 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે અભિષેકે માત્ર 152 બોલમાં જ 12 છગ્ગા નોંધાવ્યા છે. આ યાદીમાં ઈશાન કિશન 8 છગ્ગા સાથે ત્રીજા અને સંજુ સેમસન 7 છગ્ગા સાથે ચોથા સ્થાને છે.

અભિષેક પાસે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. T20Iમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે તે ડેવિડ વોર્નરની નજીક છે. વોર્નરે ઓપનર તરીકે 115 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે અભિષેકના નામે 110 છગ્ગા છે. એટલે કે આજે 6 છગ્ગા ફટકારશે તો અભિષેક વોર્નરને પાછળ છોડી દેશે.

T20Iમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે ઓપનર તરીકે 184 છગ્ગા ફટકાર્યા છે.

Leave a Comment