યુવાનોની બજેટ પાસે મોટી અપેક્ષાઓ, રોજગાર અને શિક્ષણ પર ભાર

નિર્મલા સીતારમણ સાથેની બેઠકમાં યુવાનોએ રજૂ કરી વિવિધ માંગણીઓ; ગામડાંમાં AIનો ઉપયોગ, સ્કિલ ટ્રેનિંગ અને નાના ઉદ્યોગોને સહાય આપવા સૂચન

આગામી સામાન્ય બજેટમાં યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી માગ ઊઠી છે. ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે યુવાનો સાથે યોજેલી ચર્ચા દરમિયાન વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા પ્રતિનિધિઓએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. યુવાનોએ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને રોજગારની તકો વધારવા સરકારનું ધ્યાન દોર્યું હતું.

શિક્ષણ અને આરોગ્ય માટે વધુ બજેટ ફાળવવાની માગ

યુવા પ્રતિનિધિઓએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર માટે બજેટમાં વધુ નાણાં ફાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે શિક્ષણની ગુણવત્તા સુધારવાની સાથે કૌશલ્ય આધારિત તાલીમની વ્યવસ્થા પણ મજબૂત થવી જોઈએ, જેથી યુવાનોને રોજગાર મેળવવામાં સરળતા રહે.

બજેટ પહેલાં સરકાર વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને તેમના અભિપ્રાય મેળવે છે. પરંતુ આ વખતે પ્રથમ વખત યુવાનો સાથે અલગથી સંવાદ યોજવામાં આવ્યો હતો. દેશની અડધી વસ્તી 29 વર્ષથી ઓછી ઉંમરની હોવાથી આ બેઠકનું વિશેષ મહત્ત્વ રહ્યું હતું.

ગામડાં અને પંચાયત સ્તરે AIનો ઉપયોગ વધારવા સૂચન

બેઠકમાં યુવાનોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર શહેરો પૂરતો મર્યાદિત ન રહે તેવો અભિપ્રાય આપ્યો હતો. ગ્રામીણ વિસ્તારો અને પંચાયત સ્તરે પણ AIનો ઉપયોગ વધારવાની સલાહ આપવામાં આવી હતી.

આ ઉપરાંત ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા, પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવા અને ગામડાંઓમાં રમતગમતની સુવિધાઓ સુધારવા અંગે પણ સૂચનો રજૂ થયા હતા. શાળાઓમાં જ વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાની વાત પણ કરવામાં આવી હતી.

રોજગાર માટે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર

પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાના એક યુવા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે શિક્ષણ અને કૌશલ્ય તાલીમની યોજનાઓનો લાભ ગામડાં અને નાના શહેરોના યુવાનો સુધી પહોંચવો જોઈએ. રોજગાર સર્જનમાં નાના ઉદ્યોગો મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેથી તેમને વધુ સહાય આપવી જરૂરી છે.

યુવાનોએ સંશોધન માટે ભંડોળ વધારવા, ઇન્ટર્નશિપની વધુ તકો ઉપલબ્ધ કરાવવા અને યુવા ઉદ્યોગસાહસિકો માટે વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટેની યોજનાઓ અમલમાં મૂકવાની માગ કરી હતી.

16થી 26 નવેમ્બર દરમિયાન 200થી વધુ લોકો સાથે ચર્ચા

નાણામંત્રી નિર્મલા સીતારમણે 16થી 26 નવેમ્બર દરમિયાન બજેટ સંબંધિત વિવિધ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં 13 ક્ષેત્રોના 200થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમાં ઉદ્યોગપતિઓ, ખજખઊ પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, કૃષિ અને ગ્રામીણ વિકાસના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, શેરબજાર, બેન્કિંગ, વીમા, IT, માળખાગત સુવિધા, આવાસ, આરોગ્ય, રમતગમત અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રના લોકો સામેલ હતા.

ટિયર-2 અને ટિયર-3 શહેરોના વિકાસ પર ધ્યાન

નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે આ બેઠકોમાં માનવ સંસાધન વિકાસ, ઇનોવેશન ઇકોસિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ, કૃષિ ઉત્પાદકતા, આવાસ સુરક્ષા અને શિક્ષણને મજબૂત બનાવવા અંગે મહત્ત્વપૂર્ણ સૂચનો મળ્યા છે. સાથે જ ટિયર-2 અને ટિયર-3 શહેરોના ઝડપી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

હવે આગામી સામાન્ય બજેટમાં યુવાનો દ્વારા રજૂ કરાયેલી માંગણીઓ અને વિવિધ ક્ષેત્રોના સૂચનોને કેટલી જગ્યા મળે છે તેના પર સૌની નજર રહેશે. શિક્ષણથી લઈને રોજગાર સુધીની વ્યવસ્થામાં સુધારા માટે બજેટમાં લેવાતા નિર્ણયો યુવાનોના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Leave a Comment

और पढ़ें