અમિતાભ બચ્ચનના બંગલા, BMC ઓફિસ, BSE અને શાળાઓને નિશાન બનાવતી ધમકીઓ મળી હતી; અમેરિકાથી પરત ફરેલા 28 વર્ષીય શરત સુબ્રહ્મણ્યમ શંકરની તપાસ શરૂ
મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ આપતા ઈમેલ મોકલવાના મામલે તપાસ એજન્સીઓએ તમિલનાડુના એક સોફ્ટવેર એન્જિનિયરને કસ્ટડીમાં લીધો છે. આરોપી પર છેલ્લા બે વર્ષ દરમિયાન દેશની વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓને 1500થી વધુ ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હોવાની શંકા છે. આ ઈમેલમાં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા સહિત મુંબઈના અનેક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી.
અમેરિકાથી પરત ફરતાં જ ATSની કાર્યવાહી
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના રહેવાસી 28 વર્ષીય શરત સુબ્રહ્મણ્યમ શંકર તરીકે થઈ છે. તે અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ પોલીસને મળેલી એક મહત્વપૂર્ણ કડીના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્તચર માહિતીના આધારે તમિલનાડુની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ જુલાઈ મહિનામાં અમેરિકા પરથી ભારત પરત ફરેલા શંકરને ચેન્નાઈ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધો હતો.
અમિતાભના બંગલા સહિત અનેક સ્થળોને ધમકી
આરોપી દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં મુંબઈનાં અનેક મહત્વપૂર્ણ સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં અમિતાભ બચ્ચનનો બંગલો, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું કાર્યાલય, પેટ્રોલ પંપ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, વિવિધ અદાલતો અને શાળાઓનો સમાવેશ થાય છે.
આ ધમકીભર્યા ઈમેલને પગલે સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી અને ઈમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
બે વર્ષમાં 1500થી વધુ ઈમેલ મોકલ્યાની શંકા
તપાસ એજન્સીઓને શંકા છે કે શરત સુબ્રહ્મણ્યમ શંકરે છેલ્લા બે વર્ષમાં દેશની વિવિધ સરકારી અને સુરક્ષા એજન્સીઓને 1500થી વધુ ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હોઈ શકે છે. આટલી મોટી સંખ્યામાં ઈમેલ મોકલવાના મામલે હવે તપાસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે.
ઈમેલમાંથી મળેલી કડીથી આરોપી સુધી પહોંચ
મુંબઈ પોલીસને શંકરના એક ઈમેલમાંથી મહત્વપૂર્ણ કડી મળી હતી. આ કડીના આધારે આરોપીનો સંપર્ક અને તેની ઓળખ સુધી પહોંચવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસની ગુપ્તચર માહિતીના આધારે તમિલનાડુ ATSએ કાર્યવાહી કરી હતી.
ધમકી પાછળનું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ
મુંબઈ પોલીસ હવે આરોપીની કસ્ટડી મેળવી તેની વિગતવાર પૂછપરછ કરવાની તૈયારીમાં છે. તેણે અલગ-અલગ સ્થળોને ધમકી આપતા ઈમેલ શા માટે મોકલ્યા, તેનો હેતુ શું હતો અને આ સમગ્ર મામલે અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્કની સંડોવણી છે કે કેમ તે તપાસવામાં આવશે.
હાલ આ કેસમાં આરોપી સામેના આક્ષેપોની તપાસ ચાલી રહી છે. પૂછપરછ અને ડિજિટલ પુરાવાઓની તપાસ બાદ જ ધમકીભર્યા ઈમેલ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.









