ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1,477 સ્થળોએ હાથ ધર્યું ચેકિંગ, 14 હોટેલોમાંથી શંકાસ્પદ ખાદ્ય જથ્થો મળ્યો; આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણ અંગે ગ્રાહકોને જાગૃત કરવા સૂચના
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા આરોગ્ય વિભાગ દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશમાં આઇસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તેમજ રાજ્યના મુખ્ય હાઇવે પર આવેલી હોટેલોને તપાસના દાયરામાં લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં કુલ 1,477 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 691 હાઇવે હોટેલોમાંથી 175 હોટેલોમાં સ્વચ્છતાની ખામી અને બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવાની બાબતો સામે આવતાં નોટિસ આપવામાં આવી છે.
આઇસ્ક્રીમના એકમોમાં ઓળખ દર્શાવતા બોર્ડ લગાવાશે
આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના કુલ 786 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ પૈકી 590 એકમોમાં માત્ર આઇસ્ક્રીમ, 32 એકમોમાં માત્ર ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંને પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું.
ગ્રાહકોને ઉત્પાદનની યોગ્ય ઓળખ મળી રહે અને તેઓ ગેરમાર્ગે ન દોરાય તે માટે સંબંધિત એકમોમાં ફરજિયાત માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
હાઇવે હોટેલોનાં રસોડાંમાં ગંદકી મળી
મુખ્ય હાઇવે પર આવેલી 691 હોટેલોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન 175 હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને ખોરાક પીરસવાની બિનઆરોગ્યપ્રદ પદ્ધતિઓ જોવા મળી હતી. આ ખામીઓને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંબંધિત હોટેલ સંચાલકોને નોટિસ પાઠવી છે.
14 હોટેલોમાંથી શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત
તપાસ દરમિયાન 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી. વિભાગે આ જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. વધુ તપાસ માટે તેના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
લેબોરેટરી તપાસમાં નમૂનાઓ નિષ્ફળ જશે અથવા ખાદ્ય પદાર્થોમાં કોઈ ખામી જણાશે તો સંબંધિત એકમ સામે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
ફૂડ પોઇઝનિંગની ઘટના માટે સંચાલક જવાબદાર
આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો દરેક ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. નાગરિકોએ પણ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે જાગૃત રહેવું જોઈએ. ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
તેમણે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે કોઈ હોટેલ કે ખાદ્ય એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવાને કારણે ફૂડ પોઇઝનિંગ જેવી ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવવા વિભાગ દ્વારા તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.









