અમદાવાદમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શો 2027 યોજવાની તૈયારી, ટિકિટ ₹120 સુધી પહોંચી

60થી વધુ ફૂલોના સ્કલ્પ્ચર બનશે આકર્ષણનું કેન્દ્ર, 90 ફૂટથી ઊંચી વ્હેલ દ્વારા વર્લ્ડ બુકમાં સ્થાન મેળવવાનો પ્રયાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વર્ષના પ્રારંભે યોજાનારા ફ્લાવર શો 2027ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન યોજાય તેવી સંભાવના છે. રિક્રિએશન કમિટીના ચેરમેન જીતુભાઈ ખરચરીયાના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વખતે આયોજનને વધુ ભવ્ય બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે નવી થીમ, વિશાળ સ્કલ્પ્ચર અને અનેક આકર્ષક કૃતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

90 ફૂટની વ્હેલ સહિત 60 સ્કલ્પ્ચર તૈયાર થશે

આગામી ફ્લાવર શોમાં આશરે 60 જેટલા અલગ-અલગ સ્કલ્પ્ચર બનાવવાનું આયોજન છે. તેમાં 90 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી વ્હેલ માછલીનું સ્કલ્પ્ચર વિશેષ આકર્ષણ રહેશે. આ કૃતિના માધ્યમથી વર્લ્ડ બુકમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ફ્લાવર શોમાં મહાત્મા ગાંધી અને દાંડીકૂચ, અમદાવાદની પોળના ગેટ, વાવ, વિદેશી ફૂલો, ચબુતરો, પંચતંત્રની વાર્તાઓ, સૂર્ય-ચંદ્ર, હેરિટેજ અને ઓલિમ્પિક જેવી થીમ આધારિત કૃતિઓ પણ જોવા મળશે.

મુલાકાતીઓ માટે ફૂડ કોર્ટ અને નર્સરીની વ્યવસ્થા

ફ્લાવર શોના આયોજનમાં શહેરના આઠ ઝોનમાંથી છ ઝોનના સ્પોન્સર નક્કી થઈ ગયા છે. મુલાકાતીઓ માટે ત્રણ નર્સરી અને 28 ફૂડ કોર્ટ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

વીકએન્ડમાં ટિકિટ માટે ₹120 ચૂકવવા પડશે

આ વખતે ફ્લાવર શો અને અટલ બ્રિજની મુલાકાત માટે સંયુક્ત ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે સોમવારથી શુક્રવાર સુધી ₹100 અને શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં ₹120 ચૂકવવા પડશે.

ગત વર્ષે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટનો દર ₹80 અને શનિવાર-રવિવારે ₹100 હતો. તે સમયે અટલ બ્રિજની મુલાકાત માટે ₹50 અલગથી ચૂકવવાના રહેતા હતા.

પ્રવેશના અન્ય દરમાં 12 વર્ષથી નાનાં બાળકો અને મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જ્યારે અન્ય શાળાના બાળકો માટે ₹10 ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે.

₹25 કરોડના ખર્ચે ભવ્ય આયોજનની શક્યતા

ફ્લાવર શો 2027 પાછળ અંદાજે ₹25 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. તેની સામે ગત વર્ષે આયોજનનો કુલ ખર્ચ આશરે ₹21 કરોડ થયો હતો અને ટિકિટ સહિતની આવક ₹12 કરોડ નોંધાઈ હતી.

આ વખતે મોટા પાયે સ્કલ્પ્ચર, નવી થીમ અને વધારાની સુવિધાઓ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. ટિકિટના દરમાં થયેલા ફેરફારને કારણે આવકમાં પણ વધારો થવાની અપેક્ષા છે. જાન્યુઆરીમાં યોજાનારો આ ફ્લાવર શો અમદાવાદના નવા વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ બનવાની તૈયારીમાં છે.

Leave a Comment

और पढ़ें