કૌશાંબીથી પિકનિક કરીને પરત ફરી રહેલી બસને પાછળથી ટ્રકે મારી ટક્કર; પ્રિન્સિપાલ સહિત બેની હાલત ગંભીર
કન્નોજઃ ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર મંગળવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પિકનિક પરથી પરત ફરી રહેલી સ્કૂલ બસને પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે ટક્કર મારતાં ચાર બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે 35 બાળકો ઈજાગ્રસ્ત થયાં હતાં. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
બસમાં 50 બાળકો અને 6 શિક્ષકો હતા સવાર
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્કૂલની બસ બાળકોને પિકનિક માટે કૌશાંબી લઈ ગઈ હતી. મંગળવારે પિકનિક પૂર્ણ કરીને બસ પરત ફરી રહી હતી. બસમાં 50 બાળકો અને 6 શિક્ષકો સહિત કુલ 56 લોકો સવાર હતા. આ દરમિયાન ઠઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક એક્સપ્રેસવેના 209મા કિલોમીટર પાસે બસ રસ્તાની બાજુમાં ઊભી હતી ત્યારે પાછળથી આવેલા ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કરથી બસમાં સવાર બાળકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અકસ્માત બાદ બાળકો અને અન્ય લોકોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચ્યા અધિકારીઓ, બચાવ કામગીરી શરૂ
અકસ્મતની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા તિર્વા મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ, આ અકસ્માતમાં ચાર બાળકોનાં મોત થયાં છે અને 35 બાળકો ઈજાગ્રસ્ત થયાં છે. સ્કૂલ પ્રિન્સિપાલ તથા એક બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થીએ જણાવી અકસ્માતની ઘટના
અકસ્મતમાંથી બચી ગયેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે બસ રસ્તાની બાજુમાં ઊભી રાખવામાં આવી હતી ત્યારે જ ટ્રકે પાછળથી આવીને ટક્કર મારી હતી. બીજી તરફ, સુરક્ષિત રહેલા બાળકો અને સ્કૂલના સ્ટાફને અન્ય વાહનો મારફતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને પગલે બાળકોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.









