હવે એક ક્લિકમાં બંધ થશે બેંક ખાતાના પેમેન્ટ! RBI લાવી રહ્યું છે ‘સ્ટોપ સ્વીચ’ સુવિધા

ડિજિટલ છેતરપિંડીના વધતા કિસ્સાઓ વચ્ચે RBI બેંક ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે નવી વ્યવસ્થા લાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત ‘સ્ટોપ સ્વીચ’ દ્વારા ગ્રાહકને પોતાના બેંક ખાતામાંથી થતાં નવા ડિજિટલ પેમેન્ટ એક જ ક્લિકમાં અટકાવવાની સુવિધા મળશે. સાથે જ મોટી રકમ ટ્રાન્સફર કરતાં પહેલાં વિશ્વાસુ વ્યક્તિની મંજૂરી લેવાની વ્યવસ્થા પણ સૂચવવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે અનેક નવા પ્રસ્તાવો રજૂ કર્યા છે. જો કોઈ ગ્રાહકને શંકા થાય કે તેના બેંક ખાતાની વિગતો, કાર્ડની માહિતી કે UPI સંબંધિત વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં પહોંચી ગઈ છે, તો તે તાત્કાલિક નવા ડિજિટલ ડેબિટ ટ્રાન્ઝેક્શન બંધ કરી શકશે. આ માટે હવે બેંકની અલગ-અલગ સેવાઓ બંધ કરાવવા દોડધામ કરવાની જરૂર નહીં રહે.

‘સ્ટોપ સ્વીચ’ દબાવતાં જ નવા પેમેન્ટ પર રોક

RBIના પ્રસ્તાવ મુજબ, બેંકોએ ગ્રાહકોને એક એવું વિકલ્પ આપવું પડશે, જેના દ્વારા તેઓ પોતાના ખાતામાંથી થતાં તમામ નવા આઉટગોઇંગ ડિજિટલ પેમેન્ટ અટકાવી શકે.

આ સુવિધા સક્રિય થયા બાદ ગ્રાહક નવા ડેબિટ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. ઉપરાંત નવા પેમેન્ટ મેન્ડેટ, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન અને નવી થર્ડ પાર્ટી એપ પર UPI રજિસ્ટ્રેશન પણ અટકી જશે.

જોકે, ખાતામાં પૈસા જમા થવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. અગાઉથી ચાલુ EMI, ઓટો પેમેન્ટ, બેંક ચાર્જ અને અન્ય નિર્ધારિત કપાત આ સુવિધામાં સામેલ નહીં હોય.

સ્ટોપ સ્વીચ ફરીથી બંધ કરીને ડિજિટલ પેમેન્ટ શરૂ કરવા માટે બેંક ગ્રાહકની ઓળખની ચકાસણી કરશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંક થોડા સમયનો કૂલિંગ પીરિયડ પણ રાખી શકશે.

પોતાની જરૂરિયાત પ્રમાણે પેમેન્ટ લિમિટ નક્કી કરી શકાશે

RBI ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મર્યાદા જાતે નક્કી કરવાની સુવિધા આપવાનો પણ પ્રસ્તાવ ધરાવે છે. તેના દ્વારા ગ્રાહક નક્કી કરી શકશે કે એક ટ્રાન્ઝેક્શનમાં કેટલી રકમ મોકલવી અને આખા દિવસમાં કુલ કેટલા રૂપિયાનું પેમેન્ટ કરવું.

આ ઉપરાંત કોઈ ચોક્કસ વ્યક્તિને મોકલવામાં આવતી રકમની મર્યાદા પણ નક્કી કરી શકાશે. ગ્રાહક ઇચ્છે તો તમામ ડિજિટલ પેમેન્ટ ચેનલ માટે એકંદર દૈનિક મર્યાદા પણ રાખી શકશે. ચોક્કસ પેમેન્ટ ચેનલને નિશ્ચિત સમયગાળા માટે બંધ રાખવાનો વિકલ્પ પણ મળશે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર પણ મળશે નિયંત્રણ

આ નવી સુવિધાઓ માત્ર બેંક ખાતા પૂરતી મર્યાદિત નહીં રહે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડ માટે પણ ગ્રાહકોને વધુ નિયંત્રણ આપવાની દરખાસ્ત છે.

ગ્રાહકો ATM, POS મશીન, ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ પેમેન્ટની મર્યાદા નક્કી કરી શકશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનને અલગ-અલગ ચાલુ કે બંધ કરવાની સુવિધા પણ મળશે.

ખાસ વાત એ છે કે નવા બેંક ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટ ચેનલ શરૂઆતમાં ડિફોલ્ટ રૂપે બંધ રાખવાનો પ્રસ્તાવ છે. ગ્રાહકની સ્પષ્ટ મંજૂરી અને જરૂરી ચકાસણી બાદ જ તેને શરૂ કરી શકાશે.

મોટી રકમ મોકલતાં પહેલાં વિશ્વાસુ વ્યક્તિની મંજૂરી

RBIએ ‘ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ’ (TPM) નામની નવી વૈકલ્પિક વ્યવસ્થાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. તેના હેઠળ ગ્રાહક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ વ્યક્તિને પોતાના વિશ્વાસુ વ્યક્તિ તરીકે પસંદ કરી શકશે.

ગ્રાહક પોતાની રીતે નક્કી કરી શકશે કે કેટલી રકમથી વધુનું ટ્રાન્ઝેક્શન થાય ત્યારે આ વ્યક્તિની મંજૂરી લેવી જરૂરી રહેશે. જ્યારે આવી રકમ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ થશે ત્યારે વિશ્વાસુ વ્યક્તિને પેમેન્ટની રકમ, લાભાર્થીની વિગતો અને અન્ય માહિતી સાથે મેસેજ મળશે.

આ વ્યક્તિને મંજૂરી આપવા માટે એક કલાકનો સમય મળશે. જો તે મંજૂરી નહીં આપે અથવા નિર્ધારિત સમયમાં જવાબ નહીં આપે તો ટ્રાન્ઝેક્શન રદ થઈ જશે.

વિશ્વાસુ વ્યક્તિને ખાતાની ખાનગી માહિતી નહીં મળે

ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમનો ઉપયોગ સંપૂર્ણપણે ગ્રાહકની ઇચ્છા પર આધારિત રહેશે. તેને શરૂ કરવા માટે ગ્રાહક અને વિશ્વાસુ વ્યક્તિ બંનેની મંજૂરી જરૂરી રહેશે. સુવિધા સક્રિય થાય તે પહેલાં 24 કલાકનો કૂલિંગ પીરિયડ પણ રાખવામાં આવશે.

વિશ્વાસુ વ્યક્તિને ગ્રાહકના બેંક બેલેન્સ, FD, રોકાણ કે વીમાની વિગતો જોવા મળશે નહીં. તે પોતાની રીતે કોઈ પેમેન્ટ પણ કરી શકશે નહીં. તેની ભૂમિકા માત્ર નિર્ધારિત મર્યાદાથી વધુના ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવા અથવા નકારવા પૂરતી રહેશે.

જોકે, UPI ટ્રાન્ઝેક્શન, મર્ચન્ટ પેમેન્ટ અને અગાઉથી નક્કી કરેલા ઓટો પેમેન્ટ આ વ્યવસ્થામાંથી બાકાત રહેશે.

બેંકની બેદરકારી સામે પણ કડક જોગવાઈ

RBIએ બેંકની જવાબદારી નક્કી કરતી જોગવાઈઓનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જો બેંક જરૂરી મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ન કરે, ટ્રાન્ઝેક્શન એલર્ટ ન મોકલે, 24 કલાક ફ્રોડની ફરિયાદ નોંધાવવાની સુવિધા ન આપે અથવા ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક પગલાં ન ભરે તો તેને બેદરકારી તરીકે ગણવામાં આવી શકે છે.

બેંકની સિસ્ટમમાં ખામી, સુરક્ષામાં ભંગ અથવા બેંક કર્મચારી અને તેના દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટીની મિલીભગતથી થતા ફ્રોડને પણ આ જોગવાઈઓમાં સામેલ કરવાની દરખાસ્ત છે.

14 ડિસેમ્બર સુધી સૂચનો મંગાવાયા, જુલાઈ 2027થી અમલની શક્યતા

RBIએ આ પ્રસ્તાવો અંગે સામાન્ય નાગરિકો અને સંબંધિત પક્ષો પાસેથી 14 ડિસેમ્બર 2026 સુધી સૂચનો મંગાવ્યા છે. અંતિમ મંજૂરી મળ્યા બાદ મુખ્ય નવી સુવિધાઓ 1 જુલાઈ 2027થી લાગુ કરવાની દરખાસ્ત છે. બેંકો ઇચ્છે તો તે પહેલાં પણ તેનો અમલ કરી શકશે.

બેંકની બેદરકારીની વિસ્તૃત વ્યાખ્યા સંબંધિત જોગવાઈઓ 1 જાન્યુઆરી 2027થી લાગુ કરવાની યોજના છે. આ નિયમો કોમર્શિયલ બેંકો ઉપરાંત સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ્સ બેંકો, રિજનલ રૂરલ બેંકો, લોકલ એરિયા બેંકો અને સહકારી બેંકોને પણ લાગુ પડશે.

RBIની આ દરખાસ્તનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ છેતરપિંડી સામે ગ્રાહકોને વધુ સશક્ત બનાવવાનો છે. જો આ નિયમો અમલમાં આવશે તો ગ્રાહકો પોતાના ખાતાના પેમેન્ટ પર વધુ નિયંત્રણ મેળવી શકશે અને શંકાસ્પદ સ્થિતિમાં એક જ ક્લિકથી નવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન અટકાવી શકશે.

Leave a Comment

और पढ़ें