આર.કે. યુનિવર્સિટી ગેટ નજીક ક્રાઈમ બ્રાન્ચનો દરોડો; બે રિક્ષા અને મોબાઈલ સહિત રૂ. 5.13 લાખનો મુદ્દામાલ કબજે, મુખ્ય સપ્લાયર ફરાર
રાજકોટ-ભાવનગર હાઈવે પર આર.કે. યુનિવર્સિટી નજીક ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી બે રિક્ષાઓમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બંને રિક્ષામાંથી કુલ 1,152 બોટલ દારૂ મળી આવી હતી. આ મામલે બે રિક્ષાચાલકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર દિલાવર ઉર્ફે જીણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બાતમી મળતાં જ બે રિક્ષાને રોકી
ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.ડી. ડોડીયા અને ડી.પી. ઝાલાની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ બોળીયા, ધારાભાઈ વનારીયા અને રાજેશભાઈ જળુને મળેલી બાતમીના આધારે આર.કે. યુનિવર્સિટીના ગેટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન ત્યાંથી પસાર થતી બે શંકાસ્પદ રિક્ષાઓને અટકાવી તપાસ કરવામાં આવતાં તેમાંથી રૂ. 3,08,448ની કિંમતનો 1,152 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બે રિક્ષાચાલકો પોલીસના સકંજામાં
પોલીસે સ્થળ પરથી આકીબ ઈકબાલભાઈ બેલીમ (28), રહે. જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટર અને ઇદ્રીશ ઉર્ફે મયુર અયુબખાન જલવાણી (39), રહે. હાથીખાના શેરી નંબર 17, રામનાથપરાની ધરપકડ કરી હતી.
દારૂના જથ્થા ઉપરાંત બંને રિક્ષા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 5,13,948નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રંબા પાસેથી દારૂ ભરાવી રામનાથપરા પહોંચાડવાનો હતો
પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે રામનાથપરા નજીક ઘાંચીવાડમાં રહેતો દિલાવર ઉર્ફે જીણી સલીમભાઈ મકરાણીએ ત્રંબા પાસેથી બંને રિક્ષામાં દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. આ જથ્થો રામનાથપરા પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી.
આ માહિતીના આધારે પોલીસે દિલાવર ઉર્ફે જીણી સહિત ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. હાલ મુખ્ય સપ્લાયર દિલાવરને ઝડપી પાડવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
આકીબ સામે અગાઉ બે કેસ નોંધાયેલા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા આરોપી આકીબ બેલીમ સામે અગાઉ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ સંબંધિત બે ગુના નોંધાયેલા છે. હવે પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ આગળ ધપાવી રહી છે.









