ગોવા પ્લાન્ટમાંથી લેવાયેલા છ સેમ્પલમાંથી એકમાં બ્રોમેટનું પ્રમાણ મર્યાદા કરતાં વધુ મળ્યાનો અહેવાલ; FSSAIની કાર્યવાહી વચ્ચે કંપનીનો દાવો – ફરીના ટેસ્ટમાં તમામ માપદંડો યોગ્ય
દેશની જાણીતી બોટલબંધ પીવાના પાણીની બ્રાન્ડ બિસ્લેરીના સેમ્પલમાં નિયત મર્યાદા કરતાં વધુ બ્રોમેટનું પ્રમાણ મળી આવતાં ખાદ્ય સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે. આ મામલાને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વેચાતી તમામ બ્રાન્ડેડ અને સ્થાનિક સ્તરે ઉત્પાદિત પેકેજ્ડ પીવાના પાણીની ગુણવત્તાની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ માટે દેશવ્યાપી તપાસ ઝુંબેશ શરૂ થવાની શક્યતા છે.
બિસ્લેરીના સેમ્પલ અંગેના અહેવાલ બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા કંપની સામે અસુરક્ષિત પીવાનું પાણી વેચવાના મામલે કાનૂની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, કંપનીએ આ કાર્યવાહી અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરીને લેબોરેટરીના પરીક્ષણનાં પરિણામો સામે સવાલો ઉઠાવ્યા છે.
ગોવા પ્લાન્ટમાંથી લેવાયેલા છ સેમ્પલની તપાસમાં વિવાદ
દેશના પેકેજ્ડ બોટલ વોટર માર્કેટમાં બિસ્લેરીનું મોટું સ્થાન છે. કંપનીની ગોવા સ્થિત ઉત્પાદન ફેસિલિટીમાંથી ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા છ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
આ અહેવાલના આધારે FSSAI દ્વારા બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે અસુરક્ષિત પીવાનું પાણી વેચવા બદલ કાનૂની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા માત્ર બિસ્લેરી પૂરતી તપાસ સીમિત ન રાખતાં દેશની તમામ પેકેજ્ડ વોટર બ્રાન્ડ્સની ગુણવત્તા ચકાસવાની તૈયારી કરવામાં આવી છે. તેમાં મોટી કંપનીઓની સાથે સ્થાનિક સ્તરે પેકિંગ કરીને વેચાતા પીવાના પાણીનો પણ સમાવેશ થશે.
બ્રોમેટનું પ્રમાણ 12 માઇક્રોગ્રામ મળ્યાનો અહેવાલ
મુંબઈ, તા. 23 : બિસ્લેરી કંપનીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ સમગ્ર મામલો આશરે 14 મહિના જૂનો છે અને સપ્ટેમ્બર 2025માં ઉત્પાદિત એક ચોક્કસ બેચ સાથે જોડાયેલો છે.
કંપનીના જણાવ્યા અનુસાર, ગોવા સ્થિત ઉત્પાદન ફેસિલિટી તેના કુલ 143 ઉત્પાદન પ્લાન્ટમાંથી એક છે. 30 સપ્ટેમ્બર 2025ના રોજ ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા અહીંથી છ સેમ્પલ લેવામાં આવ્યા હતા. શરૂઆતની તપાસમાં પાંચ સેમ્પલ તમામ નિર્ધારિત માપદંડોમાં યોગ્ય સાબિત થયા હતા.
જોકે, છઠ્ઠા સેમ્પલમાં પ્રતિ લીટર 12 માઇક્રોગ્રામ બ્રોમેટનું પ્રમાણ નોંધાયું હતું, જ્યારે તેની નિર્ધારિત મર્યાદા પ્રતિ લીટર 10 માઇક્રોગ્રામ છે. આ જ પરિણામને આધારે પાણીની ગુણવત્તા અંગે વિવાદ ઊભો થયો હતો.
ફરી પરીક્ષણમાં પરિણામ યોગ્ય આવ્યાનો કંપનીનો દાવો
કંપનીએ જણાવ્યું હતું કે 22 નવેમ્બર 2025ના રોજ અપીલ કર્યા બાદ સેમ્પલ ફરીથી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ફરીની તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદાની અંદર હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત, અન્ય એક સેમ્પલમાં પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) હોવાની વાત પણ કરવામાં આવી હતી. બંને પરીક્ષણનાં પરિણામોમાં તફાવત જોવા મળ્યા બાદ કંપનીએ ઓથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં પણ પાણીનું પરીક્ષણ કરાવ્યું હતું.
કંપનીના દાવા પ્રમાણે, આ લેબોરેટરીના પરીક્ષણમાં પણ બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદાની અંદર હોવાનું જાણવા મળ્યું હતું. તેથી કંપનીએ શરૂઆતની લેબોરેટરીના પરીક્ષણમાં ક્ષતિ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
કંપનીને કોઈ નોટિસ મળી ન હોવાનો દાવો
બિસ્લેરીએ વધુમાં જણાવ્યું હતું કે માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યા બાદ ઓથોરિટી તરફથી તેને કોઈ વધુ માહિતી આપવામાં આવી નહોતી. આથી કંપનીને લાગ્યું હતું કે સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેને આ મામલે કોઈ નોટિસ મળી નથી.
હવે સમગ્ર પેકેજ્ડ વોટર માર્કેટ પર તપાસની નજર
પીવાના પાણીની ગુણવત્તા સીધી રીતે લોકોના આરોગ્ય સાથે જોડાયેલી હોવાથી આ મામલો મહત્વનો બન્યો છે. દેશમાં પેકેજ્ડ પાણીનો વપરાશ વધતો જઈ રહ્યો છે ત્યારે જાણીતી બ્રાન્ડના સેમ્પલ અંગે ઊભા થયેલા સવાલોએ સમગ્ર બજારમાં ચિંતા ઊભી કરી છે.
એક તરફ ઓથોરિટી દ્વારા સેમ્પલના આધારે કાર્યવાહી કરવાની વાત સામે આવી છે, તો બીજી તરફ કંપની ફરીના પરીક્ષણોના પરિણામો રજૂ કરીને પોતાનો બચાવ કરી રહી છે. હવે દેશભરમાં પેકેજ્ડ વોટર બ્રાન્ડ્સની તપાસ દરમિયાન અન્ય કંપનીઓનાં સેમ્પલની ગુણવત્તા અંગે શું પરિણામ આવે છે તેના પર નજર રહેશે.









