રવાણી ખીજડીયાની સીમમાં વાડીમાં ચાલતું હતું ગેરકાયદે કારખાનું, 2,160 ડબ્બા સીલ કરાયા અને 500 લિટર ઘીનો નાશ કરાયો
જામનગર જિલ્લામાં નકલી ખાદ્ય પદાર્થો બનાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં બનાવટી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પંચકોષી A ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બનાવટી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે 932 લિટર ઘી સહિત કુલ રૂ. 5,77,840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વાડીમાં મશીનરીથી બનાવટી ઘી બનાવાતું હતું
પંચકોષી A ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ભરત ખીમસુરીયા અને મનસુખ ખીમસુરીયા બનાવટી ઘી બનાવવાનું કારખાનું ચલાવી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મનસુખ ખીમસુરીયા હાજર મળી આવ્યા હતા અને મશીનરીની મદદથી બનાવટી ઘી બનાવવાની કામગીરી ચાલી રહી હતી.
‘કાઉ પ્યોર ઘી’ના નામે પેકિંગ
પોલીસે સ્થળ પર તપાસ કરતાં 200 મિલીના 2,160 ડબ્બા ભરેલા મળી આવ્યા હતા. આ ડબ્બાઓ પર ‘કે.ટી. બંધન કાઉ પ્યોર ઘી’ના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. બનાવટી ઘી અંગે ફૂડ વિભાગને જાણ કરવામાં આવતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
ફૂડ વિભાગના અધિકારીઓએ ઘીના જથ્થાનું પરીક્ષણ કરતાં તે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ડબ્બામાં ભરેલા જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો.
500 લિટર ઘીનો સ્થળ પર જ નાશ
ડબ્બામાં ભરેલા જથ્થા ઉપરાંત સ્થળ પર આશરે 500 લિટર બનાવટી ઘીનો વધારાનો જથ્થો પણ મળી આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
રિપોર્ટ બાદ આરોપીઓ સામે કાર્યવાહી થશે
પોલીસે સમગ્ર કાર્યવાહીમાં અંદાજે 932 લિટર બનાવટી ઘી સહિત કુલ રૂ. 5,77,840ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂનાઓના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
જો લેબોરેટરી તપાસમાં નમૂનાઓ ફેઈલ થશે તો સંબંધિત આરોપીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.









