જામનગરમાં બિલ વગરનો રૂ.15.41 લાખનો પાનમસાલા-તમાકુનો જથ્થો ઝડપાયો

જોલીબંગલા વિસ્તારમાં રાજકોટ રેન્જની ટીમનો દરોડો; ચાર શખ્સો પકડાયા, સિગારેટ અને પાનમસાલાનો જથ્થો કબજે

જામનગરના જોલીબંગલા વિસ્તારમાં રાજકોટ રેન્જની પોલીસ ટીમે દરોડો પાડી બિલ કે ખરીદ-વેચાણના પુરાવા વગર સંગ્રહ કરાયેલો પાનમસાલા, તમાકુ અને સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને પકડી કુલ રૂ.15,41,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ માટે આરોપીઓ અને જપ્ત કરાયેલો જથ્થો જામનગર સીટી-એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

બાતમીના આધારે રાજકોટ રેન્જની કાર્યવાહી

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે બિલ અને આધારભૂત પુરાવા વગર પાનમસાલા, તમાકુ તથા સિગારેટનું વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જોલીબંગલા વિસ્તારમાં કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસે શંકાસ્પદ જથ્થો સંગ્રહ કરાયો હોવાની બાતમી મળતાં ટીમે દરોડો પાડ્યો હતો.

ચાર શખ્સો પાસેથી રૂ.15.41 લાખનો મુદ્દામાલ કબજે

દરોડા દરમિયાન વિમલ, સિગ્નેચર પાનમસાલા, ફોર સ્ક્વેર સિગારેટ અને બાગબાન તમાકુ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આમદ ગની મેમણ, કાદર ગની ફુલવાડી, મુકેશ પ્રભુલાલ જેસાણી અને દીપક રમણીક સોનછાત્રાની પૂછપરછ કરી હતી. જોકે, ચારેય શખ્સો જથ્થા અંગે અધિકૃત બિલ કે સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યા ન હોવાથી પોલીસે રૂ.15,41,400નો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें