કુવાડવા પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ, નવ ગુનાનો આરોપી બુટલેગર પોલીસના સકંજામાં

PCBએ 500 લિટર દેશી દારૂ સાથે સુરેશ કોબીયાને ઝડપી પાડ્યો; રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલાના વનરાજ નાગાણીની તપાસ શરૂ

રાજકોટ શહેરમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે PCBએ વધુ એક કાર્યવાહી કરી છે. કુવાડવા ગામ નજીક માટેલ હોટલ સામે રોડ પરથી 500 લિટર દેશી દારૂ ભરેલી ફ્રોન્ક્સ કાર ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે કારમાં સવાર લિસ્ટેડ બુટલેગર સુરેશ મગન કોબીયાની ધરપકડ કરી દારૂ અને વાહન સહિત કુલ રૂ.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમી

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી શહેરમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા PCBની ટીમો સક્રિય હતી. પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઈ મેતાને દારૂ ભરેલી કાર અંગે ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો.

રૂ.1 લાખનો દારૂ અને કાર જપ્ત

પોલીસે ફ્રોન્ક્સ કારમાંથી 500 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સુરેશ મગન કોબીયા (ઉંમર 32, રહે. રાજમોતી મિલ પાછળ, મયુરનગર શેરી નં.6)ની ધરપકડ કરવામાં આવી હતી. કબજે કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂ.1 લાખ હોવાનું જણાવાયું છે, જ્યારે કાર સહિત કુલ મુદ્દામાલ રૂ.8 લાખનો થાય છે.

બુટલેગર સામે અગાઉથી નવ કેસ

પકડાયેલા સુરેશ કોબીયા સામે દારૂ સહિતના નવ ગુના અગાઉ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો ચોટીલા તાલુકાના ચોબારી ગામના વનરાજ કેહા નાગાણી પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.

સપ્લાયરને ઝડપી પાડવા તપાસ તેજ

સુરેશની કબૂલાતના આધારે PCBએ વનરાજ નાગાણીની શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, વનરાજ સામે પણ દારૂ સંબંધિત નવ ગુનામાં સંડોવણી નોંધાયેલી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

और पढ़ें