થાઈલેન્ડના ફુકેતમાં ભીષણ આગકાંડ: 11નાં મોત, 16 દાઝી જતાં ઘાયલ

પાતોંગ બીચ નજીક કોમર્શિયલ શોપહાઉસમાં વહેલી સવારે આગ ફાટી નીકળી; જ્વલનશીલ સામગ્રીના કારણે આસપાસની ઇમારતો પણ ઝપેટમાં આવી

થાઈલેન્ડના જાણીતા પર્યટન સ્થળ ફુકેતમાં વહેલી સવારે ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ હતી. એક કોમર્શિયલ શોપહાઉસમાં લાગેલી આગમાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 16 લોકો દાઝી જતાં ઘાયલ થયા છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની અન્ય ઇમારતોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.

વાહનોના ભાડાના વ્યવસાયવાળી ઇમારતમાં આગ

જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં વાહનો ભાડે આપવાનો વ્યવસાય ચાલતો હતો. ઇમારતમાં ઈંધણ સહિતની જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. પરિણામે આગની લપેટો આસપાસની ઇમારતો સુધી પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

વહેલી સવારે 3:17 વાગ્યે આગ ભભૂકી

સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસના જણાવ્યા અનુસાર, ફુકેતના પશ્ચિમ કિનારે આવેલા પ્રખ્યાત પાતોંગ બીચ નજીકના ગીચ વિસ્તારમાં વહેલી સવારે આશરે 3:17 વાગ્યે આગ લાગી હતી. મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી શરૂઆતમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ

આગની તીવ્રતા અને ગાઢ ધુમાડાના કારણે ફાયર ફાઈટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઊંચી જ્વાળાઓ વચ્ચે સતત કામગીરી કર્યા બાદ અંદાજે બે કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.

મૃતકોમાં કોઈ વિદેશી પ્રવાસી નહીં

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કે ઘાયલ થયેલા લોકોમાં કોઈ વિદેશી પ્રવાસી સામેલ નથી. ઘાયલ થયેલા 16 લોકોમાંથી 15 થાઈલેન્ડના નાગરિકો છે, જ્યારે એક મ્યાનમારનો નાગરિક છે, જે ત્યાં કામ કરતો હતો. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.

શોર્ટ સર્કિટની આશંકા વચ્ચે તપાસ શરૂ

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ચાર મહિના પહેલાં થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક બારમાં પણ ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં હતાં. ફુકેતની ઘટનાએ ફરી એકવાર થાઈલેન્ડમાં જાહેર સ્થળોની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ અંગે સવાલો ઊભા કર્યા છે.

Leave a Comment

और पढ़ें