હવે મોબાઈલ નંબર બદલતાં જ 12 કલાક ઓનલાઈન પેમેન્ટ બંધ રહેશે

સાયબર છેતરપિંડી રોકવા RBIની નવી સુરક્ષા વ્યવસ્થા; મોબાઈલ નંબર અને ઈમેઇલમાં ફેરફાર બાદ વેટિંગ પિરિયડ ફરજિયાત, ફ્રોડ રિપોર્ટિંગ પણ બનશે સરળ

ઓનલાઈન પેમેન્ટમાં વધતી છેતરપિંડીને રોકવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ડિજિટલ પેમેન્ટની સુરક્ષા વધુ મજબૂત બનાવવાના પગલાં લીધાં છે. નવા નિયમો મુજબ, પેમેન્ટ એપ અથવા ડિજિટલ વોલેટ સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ઈમેઇલ આઈડીમાં ફેરફાર કરવામાં આવશે તો ત્યારબાદ ઓછામાં ઓછા 12 કલાકનો વેટિંગ પિરિયડ રાખવો પડશે. આ સમયગાળામાં ગ્રાહકને થયેલા ફેરફારની જાણ થઈ શકશે અને કોઈ ગેરરીતિ જણાય તો સમયસર પગલાં લઈ શકાશે.

NPCI સહિતની પેમેન્ટ સંસ્થાઓને નિયમો લાગુ

RBI દ્વારા જાહેર કરાયેલા નવા દિશાનિર્દેશો તમામ બિન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ (PSOs) માટે લાગુ પડશે. તેમાં NPCI, ભારત બિલપે, કાર્ડ પેમેન્ટ નેટવર્ક, બિન-બેંક ATM નેટવર્ક, ATM ઓપરેટર્સ અને વિવિધ પેમેન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે.

RBIના જણાવ્યા મુજબ, સાયબર ગુનેગારો બનાવટી દસ્તાવેજો અથવા ટેકનિકલ ઘૂસણખોરીના માધ્યમથી ગ્રાહકનો મોબાઈલ નંબર અને ઈમેઇલ બદલી નાખે છે. ત્યારબાદ OTP મેળવીને ખાતામાંથી નાણાં ઉપાડવા અથવા અન્ય વ્યવહારો કરવાની શક્યતા રહે છે. આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે જ 12 કલાકની રાહ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રાહકોને છેતરપિંડીની જાણ કરવાનો સરળ વિકલ્પ મળશે

નવા નિયમો હેઠળ પેમેન્ટ કંપનીઓએ પોતાની મોબાઈલ એપ અને વેબસાઇટ પર સરળતાથી ઉપલબ્ધ એવો વિકલ્પ આપવો પડશે, જેના દ્વારા ગ્રાહકો કોઈપણ શંકાસ્પદ કે અનધિકૃત ટ્રાન્ઝેક્શનને તરત જ ફ્રોડ તરીકે નોંધાવી શકશે.

આ વ્યવસ્થાથી ગ્રાહકોને ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર શોધવાની જરૂર નહીં પડે અને કિંમતી સમય પણ બચશે. પેમેન્ટ વ્યવસ્થા સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓએ પણ ફરિયાદની પ્રક્રિયામાં સહયોગ આપવાનો રહેશે.

બેંક ખાતા અને કાર્ડની વિગતો છુપાવાશે

RBIએ ટ્રાન્ઝેક્શન બાદ આવતા SMS અને ઈમેઇલ એલર્ટની સુરક્ષામાં પણ ફેરફાર સૂચવ્યા છે. હવે આવા મેસેજમાં ગ્રાહકના બેંક ખાતા અથવા કાર્ડના સંપૂર્ણ નંબર દર્શાવવામાં નહીં આવે. તેના બદલે વિગતો છુપાવીને બતાવવામાં આવશે, જેથી અન્ય કોઈ વ્યક્તિ તેનો દુરુપયોગ ન કરી શકે.

આ ઉપરાંત, ટ્રાન્ઝેક્શનના એલર્ટમાં નાણાં મેળવનાર વ્યક્તિ અથવા વેપારીનું સ્પષ્ટ નામ દર્શાવવું ફરજિયાત રહેશે. જેથી ગ્રાહકને પોતાના ખાતામાંથી થયેલા વ્યવહારની વિગતો તરત સમજાય અને અજાણ્યા વ્યવહારની ઓળખ કરવામાં સરળતા રહે.

ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા વધારવાનો પ્રયાસ

મોબાઈલ નંબર બદલ્યા બાદનો વેટિંગ પિરિયડ, ફ્રોડ રિપોર્ટિંગની સરળ સુવિધા અને ટ્રાન્ઝેક્શન એલર્ટમાં વધારાની સુરક્ષા જેવા પગલાંથી ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીનું જોખમ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા નિયમોથી ગ્રાહકોને અનધિકૃત વ્યવહારો સામે વધુ સમયસર જાણકારી અને ફરિયાદ કરવાની સુવિધા મળી શકશે.

Leave a Comment

और पढ़ें