અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ખોરવાઈ : 4 કલાક સુધી હવાઈ સેવા ઠપ

દેશભરમાં ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર થતાં 11 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ; 15 લાખ મુસાફરોને અસર, ટેકનિકલ ખામીથી સર્જાઈ અફરાતફરી

માઈક્રોસોફ્ટના આઉટેજની અસર હજુ શાંત પડી નથી ત્યાં અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતાં દેશભરમાં હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી. લગભગ ચાર કલાક સુધી વિમાનોની અવરજવર અટકી જતાં એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહેવાલ મુજબ, 11 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ થતાં અંદાજે 15 લાખ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચાર કલાક બાદ સિસ્ટમ સામાન્ય થતાં હવાઈ સેવા ફરી શરૂ થઈ શકી હતી.

22 પ્રાદેશિક કેન્દ્રોમાં સંદેશાવ્યવહાર ખોરવાયો

પ્રાદેશિક એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોમાં સંદેશાવ્યવહાર સંબંધિત ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ પછી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા તાત્કાલિક દેશભરની ઉડાનો પર રોક લગાવીને ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ જાહેર કરવામાં આવ્યો હતો.

અમેરિકાના પરિવહન સચિવના જણાવ્યા અનુસાર, આ સંચાર સમસ્યાથી દેશનાં 22 પ્રાદેશિક એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રો પ્રભાવિત થયાં હતાં. આ કેન્દ્રો વિવિધ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરતાં વિમાનોને દિશા-નિર્દેશ આપવાની મહત્ત્વપૂર્ણ કામગીરી કરે છે.

માત્ર આકાશમાં રહેલાં વિમાનોને લેન્ડિંગની મંજૂરી

FAAએ સત્તાવાર નોટિસ જાહેર કરીને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ બાદ કોઈ નવી ફ્લાઇટને ટેક-ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જોકે, જે વિમાનો પહેલેથી જ આકાશમાં હતાં તેમને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ અચાનક નિર્ણયને કારણે બોસ્ટન સહિતના વિવિધ શહેરોના એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. ટર્મિનલ પર લાંબી કતારો લાગી હતી અને ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ટેકનિકલ અપડેટની નિષ્ફળતા જવાબદાર હોવાની આશંકા

એક અહેવાલ અનુસાર, આ ખામી પાછળ એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોને એકબીજા સાથે જોડતી નેટવર્ક સિસ્ટમના અપડેટની નિષ્ફળતા જવાબદાર હોવાનું માનવામાં આવે છે. નેટવર્કનું સંચાલન કરતી કંપનીની સિસ્ટમમાં નવું અપડેટ કરવામાં આવ્યું હતું. આ અપડેટને કારણે FAAની મુખ્ય ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ આપમેળે રીબૂટ થઈ હતી, પરંતુ ફરી શરૂ થયા બાદ સિસ્ટમ ક્રેશ થઈ જતાં દેશનું હવાઈ નેટવર્ક ખોરવાયું હતું.

જાન્યુઆરી 2023 બાદ ફરી સર્જાઈ આવી સ્થિતિ

અમેરિકામાં દેશવ્યાપી ફ્લાઇટ્સને એકસાથે રોકી દેવાની ઘટના અત્યંત દુર્લભ માનવામાં આવે છે. આ અગાઉ જાન્યુઆરી 2023માં FAAની મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતાં દેશભરની ફ્લાઇટ્સ રોકવી પડી હતી. ત્યારબાદ ફરી આવી સ્થિતિ સર્જાતાં અમેરિકાના ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતા વધી છે.

11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા બાદ પણ અમેરિકામાં સમગ્ર હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી. જોકે, હાલની ઘટના ટેકનિકલ ખામી સાથે જોડાયેલી હોવાનું જણાવાયું છે.

સાયબર હુમલાની શક્યતા નકારી : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનામાં સાયબર હુમલો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે ખામી સર્જાઈ હોવાની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, હોમલેન્ડ સિક્યુરિટીના સચિવ માર્કવેલ મુલિને પણ આ ઘટનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો હોવાની વાત નકારી હતી. તેમણે આ ઘટનાની સરખામણી 9/11ના આતંકવાદી હુમલા સાથે ન કરવાની વાત કરી હતી.

ચાર કલાક બાદ હવાઈ સેવા ફરી શરૂ થઈ હોવા છતાં સિસ્ટમમાં ખામી સર્જાવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Leave a Comment

और पढ़ें