રાઇડ સ્વીકારાય તે પહેલાં ટિપ આપવા માટે પ્રોત્સાહિત કરાતા હોવાની ફરિયાદ; સીસીપીએએ ભ્રામક વ્યવહાર ગણાવી ફીચર બંધ કરવાનો આદેશ આપ્યો
નવી દિલ્હી: કેબ બુકિંગ કરતી વખતે ઝડપી રાઇડ મેળવવાની લાલચ આપીને ગ્રાહકોને વધારાની ટિપ ચૂકવવા પ્રેરિત કરવા બદલ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણ (સીસીપીએ)એ ઓલાની સંચાલક કંપની ‘એએનઆઈ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો છે. પ્રાધિકરણના મતે, આ પ્રકારની પદ્ધતિ ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી અને અનુચિત વેપાર વ્યવહાર સમાન છે.
રાઇડ પહેલાં જ ટિપ આપવાના વિકલ્પો
સીસીપીએને મે 2025માં ફરિયાદ મળી હતી કે ઓલા એપ પર ડ્રાઇવર રાઇડ સ્વીકારે તે પહેલાં જ ગ્રાહકોને ટિપ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. એપ પર એવો સંદેશ દર્શાવાતો હતો કે ટિપ આપવાથી ઝડપી રાઇડ મળવાની શક્યતા વધી શકે છે. શરૂઆતમાં રૂ.10થી રૂ.40 સુધીની ટિપના વિકલ્પો આપવામાં આવતા હતા, જે બાદમાં વધારવામાં આવ્યા હતા.
ઓલાની દલીલ સીસીપીએએ સ્વીકારી નહીં
ઓલાએ પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે ટિપ આપવી ગ્રાહકની સંપૂર્ણપણે સ્વૈચ્છિક પસંદગી હતી અને તેની રકમ સીધી ડ્રાઇવરને મળતી હતી. જોકે, સીસીપીએએ આ દલીલ ફગાવી હતી. પ્રાધિકરણના જણાવ્યા અનુસાર, ટિપ સામાન્ય રીતે સેવા મળ્યા બાદ આપવામાં આવે છે, જ્યારે ઓલા રાઇડ સ્વીકારાય તે પહેલાં જ વધારાની ચુકવણી માટે ગ્રાહકોને પ્રેરિત કરતી હતી.
‘કન્ફર્મ શેમિંગ’ ડાર્ક પેટર્ન ગણાવાયું
સીસીપીએએ ઓલાના આ એપ ઇન્ટરફેસને ‘કન્ફર્મ શેમિંગ’ નામના ડાર્ક પેટર્ન તરીકે ઓળખાવ્યું છે. આ પદ્ધતિથી ગ્રાહકોમાં એવી માનસિકતા ઊભી થઈ શકે છે કે ટિપ નહીં આપે તો ઝડપી રાઇડ મળવાની શક્યતા ઓછી રહેશે. પરિણામે ગ્રાહકો પર વધારાની ચુકવણી કરવાનું દબાણ ઊભું થતું હોવાનો પ્રાધિકરણનો મત છે.
15 દિવસમાં દંડ અને પાલન અહેવાલ રજૂ કરવાનો આદેશ
સીસીપીએએ ઓલાને એડવાન્સ ટિપિંગ અને એડ-ઓન ફીચર સાથે જોડાયેલા તમામ સંદેશાઓ તથા વિકલ્પો તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે. કંપનીએ 15 દિવસની અંદર રૂ.10 લાખનો દંડ જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત, આદેશનું પાલન કરવામાં આવ્યું હોવાનો અહેવાલ પણ નિયત સમયમર્યાદામાં રજૂ કરવા જણાવાયું છે.









