IOCLના એક સેમ્પલમાં 31.2% ઈથેનોલ મળ્યાનો અહેવાલ; કર્ણાટક સરકાર કેન્દ્ર પાસે તપાસ અને કાર્યવાહી માગશે
કર્ણાટકમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણને લઈને વિવાદ ઊભો થયો છે. રાજ્યના સાત જિલ્લાઓમાંથી એકત્ર કરાયેલા પેટ્રોલના 63 સેમ્પલની તપાસમાં અનેક સેમ્પલમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
IOCLના સેમ્પલમાં સૌથી વધુ પ્રમાણ
અહેવાલ મુજબ, IOCLના એક સેમ્પલમાં 31.2 ટકા ઈથેનોલ મળ્યું હતું. જ્યારે અન્ય કંપનીઓના સેમ્પલમાં પણ 20 ટકાથી વધુ મિશ્રણ હોવાનો દાવો કરાયો છે. આ તપાસમાં IOCL, HPCL, BPCL, નાયરા અને શેલ જેવી કંપનીઓના પેટ્રોલના નમૂનાઓ સામેલ હતા.
કંપનીવાર ઈથેનોલનું પ્રમાણ
- IOCL: 31.2%
- HPCL: 30.5% અને 27%
- BPCL: 26.5%
- નાયરા: 26.1%
- શેલ: 25.5%
કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ થશે રિપોર્ટ
કર્ણાટક સરકારે પેટ્રોલમાં ઈથેનોલના પ્રમાણ અંગે સ્પષ્ટ માહિતી આપવાની માગ કરી છે. રાજ્ય સરકાર આ તપાસનો રિપોર્ટ કેન્દ્રને સોંપવાની તૈયારીમાં છે. સાથે જ ઓવર-બ્લેન્ડિંગ અંગે તપાસ, ગ્રાહકોને થયેલા સંભવિત નુકસાનની ભરપાઈ અને દરેક પેટ્રોલ પંપ પર ઈથેનોલનું પ્રમાણ દર્શાવતું ડિસ્પ્લે મૂકવાની માગ કરવામાં આવી છે.
આ મામલે કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓનો પ્રતિભાવ આવ્યા બાદ જ પેટ્રોલમાં ઈથેનોલના પ્રમાણ અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.









