દિવાળી પહેલાં રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: ચાર સ્થળે દરોડા પાડી 797 બોટલ દારૂ જપ્ત

શાપરના કારખાનામાં દારૂનો જથ્થો ઉતારતા કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા; ગોંડલ અને મોવિયામાં પણ દરોડા, મહિલા સહિત સાતની ધરપકડ

રાજકોટ: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂના ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી તેજ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ગોંડલ તાલુકા પોલીસની અલગ-અલગ ટીમોએ ચાર સ્થળે દરોડા પાડીને વિદેશી દારૂની કુલ 797 બોટલો ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મોબાઇલ, રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

શાપરના કારખાનામાં દારૂ ઉતારતાં કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે શાપરના બંસીધર ઇન્ડસ્ટ્રીઝ-4માં આવેલા શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે.

બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડીને 154 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે સ્થળ પરથી નિલેશ રમેશ ધામેલીયા (ઉ.વ. 33, રહે. પરફેક્ટ હોટલ પાછળ, શ્રીનાથજી સોસાયટી, શાપર), સુરેશ ચકા ઉર્ફે જેઠાભાઈ વાજેલીયા (ઉ.વ. 35, રહે. ગંગા ફોર્જિંગ ગેટની અંદર, શાપર) અને કિશન પ્રેમજી સોલંકી (રહે. શાપર)ની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા નિલેશ ધામેલીયાનું આ કારખાનું છે અને તેણે જ અહીં દારૂનો જથ્થો ઉતરાવ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ તેના માણસો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મોબાઇલ અને રિક્ષા સહિત કુલ બે લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગોંડલમાં મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની 217 બોટલ ઝડપાઈ

બીજા દરોડામાં LCBની ટીમે ગોંડલના આશાપુરા ચોકડી નજીક આવેલા સિદ્ધાર્થનગર ગરબીચોકમાં રહેતા પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમાર (ઉ.વ. 36)ના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 217 બોટલો મળી આવતાં પોલીસે પૃથ્વીરાજસિંહની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન પૃથ્વીરાજસિંહે દારૂનો જથ્થો કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામે રહેતા કુલદીપસિંહ ઉર્ફે કાનો જીતેન્દ્રસિંહ જાડેજા અને ગોંડલના રૂપાવટી ગામે રહેતા પ્રદિપસિંહ ગિરિરાજસિંહ રાયજાદા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે બંને સપ્લાયરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ગોંડલમાં વધુ એક શખ્સ 13 બોટલ સાથે ઝડપાયો

ત્રીજા દરોડામાં LCBની ટીમે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલ સામેની રોયલ રેસિડેન્સી પાસે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સુખપાલ ઉર્ફે સંજુ રવિદત શર્મા (ઉ.વ. 36, રહે. સ્ટેશન પ્લોટ, કોલેજ ચોક, ગોંડલ)ને વિદેશી દારૂની 13 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોવિયામાં મહિલા સહિત બેની ધરપકડ

ચોથા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમે મોવિયા ગામે રહેતી સરિતાબેન જેન્તીભાઈ પરમારના મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનની તપાસ દરમિયાન વિદેશી દારૂની 414 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 70,664ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી સરિતાબેન પરમાર ઉપરાંત મોવિયામાં રહેતા સવજી મેઘા ચાંડપાની પણ ધરપકડ કરી હતી.

સપ્લાયરો સુધી પહોંચવા પોલીસની તપાસ

દિવાળી પહેલાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ચારેય કાર્યવાહીમાં મહિલા સહિત સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે દારૂના જથ્થા સાથે સંકળાયેલા સપ્લાયરો અને અન્ય સંભવિત આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે. તહેવારો દરમિયાન દારૂની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા દરોડાની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें