પનામાના ધ્વજવાળા MT લુઈસ-1ના હુલ પર બે વિસ્ફોટકો ચોંટાડાયા; એન્જિન રૂમમાં આગ લાગી, તમામ ભારતીય નાવિકો સુરક્ષિત
હોર્મુઝ જળમાર્ગમાં ગુરુવારે 27 ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા તેલ ટેન્કર MT લુઈસ-1 પર લિમ્પેટ માઇન્સથી હુમલો કરવામાં આવ્યો હતો. પનામાનો ધ્વજ ધરાવતા આ ટેન્કરની નજીક એક નાની હોડી આવી હતી. હોડીમાં સવાર અજાણ્યા લોકોએ જહાજના બાહ્ય ભાગ એટલે કે હુલ પર બે લિમ્પેટ માઇન્સ ચોંટાડી હતી અને ત્યારબાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
થોડીવાર બાદ બંને વિસ્ફોટકોમાં ધડાકા થતાં જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી. વિસ્ફોટને કારણે જહાજનું એન્જિન થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. જોકે, જહાજના ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો અને જહાજને સુરક્ષિત કર્યું હતું.
તમામ 27 ભારતીય નાવિકો સુરક્ષિત
હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે MT લુઈસ-1 પર સવાર તમામ 27 ભારતીય નાવિકો સુરક્ષિત છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
બ્રિટિશ મેરિટાઇમ એજન્સી UKMTOના જણાવ્યા અનુસાર, જહાજ પરનો હુમલો ઓમાનના ખાસાબ શહેરથી આશરે 46 કિલોમીટર દૂર થયો હતો. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ હોર્મુઝ વિસ્તારમાં લિમ્પેટ માઇન્સનો ઉપયોગ કરીને હુમલો થયાની આ પ્રથમ ઘટના હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
હોર્મુઝ વિસ્તારમાં દરિયાઈ ઘટનાઓમાં વધારો
ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા બાદથી 27 ઓક્ટોબર સુધી હોર્મુઝ જળમાર્ગ અને તેની આસપાસના વિસ્તારમાં 120 દરિયાઈ ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓનો પણ સમાવેશ થાય છે.
MT અરજાનાહ પર પણ હુમલો
આ ઉપરાંત, 29 ઓક્ટોબરે લાઇબેરિયાનો ધ્વજ ધરાવતા તેલ ટેન્કર MT અરજાનાહ પર પણ હુમલો થયો હતો. આ જહાજમાં બે ભારતીય નાગરિકો સવાર હતા. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે બંને ભારતીય નાગરિકો સુરક્ષિત છે.
હોર્મુઝ જળમાર્ગમાં સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહન અને તેલ પુરવઠાની સુરક્ષા અંગે ચિંતા વધી છે. ખાસ કરીને ભારતીય નાવિકો અને ભારતીય હિતો સાથે સંકળાયેલા જહાજોની સલામતી પર પણ ધ્યાન કેન્દ્રિત થયું છે.








