ઉત્તરાખંડ હેલિકોપ્ટર દુર્ઘટના: ક્રેશના બે મિનિટ પહેલાં શ્રદ્ધાળુએ મોકલેલા અંતિમ વીડિયો થયા વાયરલ

બદ્રીનાથથી પરત ફરતી વખતે જોશીમઠ નજીક હેલિકોપ્ટર ક્રેશ; પાંચ શ્રદ્ધાળુઓ અને પાયલટ સહિત છનાં મોત, પરિવારને મોકલેલા વીડિયો બન્યા અંતિમ સંદેશ

ઉત્તરાખંડના જોશીમઠ નજીક બદ્રીનાથ ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં છ લોકોનાં મોત થયાં હતાં. હેલિકોપ્ટરમાં પાંચ શ્રદ્ધાળુઓ અને એક પાયલટ સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સેના અને SDRFની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટના વચ્ચે હેલિકોપ્ટરમાં સવાર 41 વર્ષીય શ્રદ્ધાળુ પ્રતાપ નિંગારાજુએ અકસ્માતની થોડી મિનિટો પહેલાં પોતાના પરિવારને મોકલેલા બે વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો તેમના પરિવાર માટે અંતિમ સંદેશ બની ગયા છે.

અકસ્માત પહેલાં મોકલ્યા હતા બે વીડિયો

પ્રતાપ નિંગારાજુએ બપોરે 1:12 વાગ્યે પરિવારને બે વીડિયો સંદેશ મોકલ્યા હતા. પ્રથમ વીડિયોમાં તેઓ કેમેરા સામે સ્મિત કરતા જોવા મળે છે. જ્યારે બીજા વીડિયોમાં હેલિકોપ્ટરની બારીમાંથી બરફથી ઢંકાયેલા હિમાલયનાં સુંદર દૃશ્યો કેદ થયાં છે.

પરિવારને વીડિયો મોકલ્યાના બે મિનિટથી પણ ઓછા સમયમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આથી સામાન્ય લાગતા આ વીડિયો પરિવાર માટે જીવનની છેલ્લી યાદ બની ગયા છે. ઘટનાની જાણ બાદ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

પાંચેય શ્રદ્ધાળુઓ કર્ણાટકના, પાયલટ દિલ્હીના

અકસ્‍માતમાં જીવ ગુમાવનારા પાંચેય શ્રદ્ધાળુઓ કર્ણાટકના રહેવાસી હતા. મૃતકોમાં બેંગલુરુ પોલીસના એક ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. જ્યારે હેલિકોપ્ટરના પાયલટ દિલ્હીના રહેવાસી હતા.

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

દુર્ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા હતા. અકસ્માતનાં કારણો જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તકેદારીના પગલાંરૂપે સંબંધિત એવિએશન કંપનીની હેલિકોપ્ટર સેવાઓ પર અસ્થાયી રોક લગાવવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત પાછળનાં ચોક્કસ કારણો અને સુરક્ષામાં કોઈ ખામી રહી હતી કે નહીં તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

Leave a Comment

और पढ़ें