યુરોપના ફ્રાન્સ, અલ્બેનિયા, ઇટલી, સ્પેન અને પોર્ટુગલ સહિતના દેશોમાં મોંઘવારી, આવાસની કટોકટી, પેન્શન, ભ્રષ્ટાચાર અને યુદ્ધના મુદ્દે વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા હોવાના અહેવાલ છે. અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
ફ્રાન્સમાં હજારો લોકોની અટકાયતનો દાવો: ફ્રાન્સમાં મોંઘવારી અને સરકારની નીતિઓ સામે યોજાયેલા પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થતાં ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરાયો હતો. સરકારી આંકડા મુજબ આશરે 4.10 લાખ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા, જ્યારે આયોજકોએ આ સંખ્યા 8 લાખ હોવાનું જણાવ્યું હતું.
અલ્બેનિયામાં સરકારી ઇમારતોને નિશાન બનાવાઈ: રાજધાની તિરાનામાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. પોલીસ દ્વારા ભીડને વિખેરવા કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇટલીમાં સુરક્ષા વધારાઈ: મિલાન, રોમ અને અન્ય શહેરોમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સ્થળોએ પોલીસ સાથે ઘર્ષણ થતાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. મિલાનમાં વધારાના સુરક્ષા દળોની તૈનાતી અંગે પણ અહેવાલો સામે આવ્યા હતા.
સ્પેન અને પોર્ટુગલમાં આવાસનો મુદ્દો ગરમાયો: સ્પેનમાં પેન્શનના રક્ષણ અને મોંઘવારી મુજબ પેન્શનમાં વધારાની માંગ સાથે પ્રદર્શનો યોજાયા હતા. પોર્ટુગલમાં મકાનનાં ઊંચાં ભાડાં અને રહેઠાણની અછત સામે લોકોએ રેલી યોજી હતી. લિસ્બનમાં જાહેર સ્થળે લગાવાયેલા તંબુઓ હટાવવા પોલીસે કાર્યવાહી કરી હતી.
ટ્રમ્પે ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિની ટીકા કરી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલી દરમિયાન ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિઓ પર ટિપ્પણી કરતાં દેશની વર્તમાન સ્થિતિ માટે તેની નીતિઓને જવાબદાર ગણાવી હતી.
યુરોપના વિવિધ દેશોમાં ઊભા થયેલા આ વિરોધો પાછળ જીવનનિર્વાહનો વધતો ખર્ચ, ઘર મેળવવામાં મુશ્કેલી અને સામાજિક-રાજકીય અસંતોષ જેવા મુદ્દાઓ મુખ્ય હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.









