ઉર્જ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ત્રણ વાહનોમાં દારૂ ઉતારતી વખતે પોલીસ ત્રાટકી; 4,986 બોટલ સહિત ત્રણ વાહનો કબજે
ગોંડલ: રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડીને રૂ. 55.89 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉર્જ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-1માં શ્યામ સ્પાઇસ કારખાનાની બાજુમાં આવેલી અવાવરી જગ્યાએ ત્રણ વાહનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારીને કટિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગોંડલ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોરડી ગામની સીમમાં ઉર્જ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-1માં દારૂનો જથ્થો ત્રણ અલગ-અલગ વાહનોમાં ઉતારીને કટિંગ કરવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
4,986 બોટલ અને ત્રણ વાહનો સહિત રૂ. 55.89 લાખનો મુદ્દામાલ
પોલીસે દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 414 પેટીઓમાંથી કુલ 4,986 બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત દારૂના પરિવહન અને કટિંગ માટે ઉપયોગમાં લેવાતાં ત્રણ વાહનો તથા બે મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની વિગતો આ મુજબ છે:
- વિદેશી દારૂ: 414 પેટી, કુલ 4,986 બોટલ — રૂ. 35,79,336
- આઇસર પ્રો 2114 XP CNG વાહન: રૂ. 10,00,000
- અશોક લેલન દોસ્ત RLE માલવાહક ગાડી: રૂ. 5,00,000
- ટોયોટા અર્બન ક્રૂઝર કાર: રૂ. 5,00,000
- બે મોબાઇલ ફોન: રૂ. 10,000
આમ, પોલીસે કુલ રૂ. 55,89,336નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સોહિલ મડમ સહિતના લોકો સામે ગુનો નોંધાયો
આ મામલે દારૂ મંગાવીને કટિંગ કરાવનાર હોવાનો આક્ષેપ ધરાવતા ચોરડી ગામના સોહિલ સલીમભાઈ મડમ ઉપરાંત વાહનોના ચાલકો અને માલિકો તથા દારૂ મોકલનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
LCBની ટીમની કામગીરી
આ દરોડાની કામગીરી રાજકોટ ગ્રામ્ય LCBના PI જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ ચાવડા, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, રણજીતભાઈ બોરડ, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ખડિયા સહિતના પોલીસ કર્મચારીઓએ કરી હતી.








