ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના કાફલામાં સામેલ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાફલાની પાછળ ચાલી રહેલી કેટલીક ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. જોકે, રાહુલ ગાંધીની મુખ્ય ગાડી સુરક્ષિત રહી હતી અને તેમને કોઈ નુકસાન થયું નહોતું.
પ્રાથમિક માહિતી મુજબ, પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 89.5 કિલોમીટરના માઇલસ્ટોન નજીક આ ઘટના બની હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સ્થિતિ ઝડપથી નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી. અકસ્માતમાં કોઈ ગંભીર ઈજાના અહેવાલ સામે આવ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી વર્ષ 2018ના માનહાનિના કેસને લગતી કાનૂની કાર્યવાહી માટે સુલતાનપુરની કોર્ટમાં હાજર થવા લખનૌથી રવાના થયા હતા. આ દરમિયાન તેમના કાફલામાં સામેલ વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી.









