બ્રેન્ટ ક્રૂડ 115 ડોલરને પાર, ભારત પર મોંઘવારીનો ત્રેવડો માર

મધ્યપૂર્વમાં યુદ્ધ સંકટનો ઉકેલ નહીં આવતાં અને ફરી હુમલાની આશંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 115 ડોલરને પાર પહોંચતાં ભારત સહિત વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે.

વિશ્વબજારમાં WTI ક્રૂડનો ભાવ 100.99 ડોલર અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ 115.57 ડોલર સુધી પહોંચ્યો હતો. અગાઉ પણ ક્રૂડતેલના ભાવ 117 ડોલરને પાર થયા હતા, જે છેલ્લા એક વર્ષના ઊંચા સ્તરોમાં સામેલ હતા. હાલની તેજી વચ્ચે ભાવ નવો રેકોર્ડ બનાવશે કે કેમ તેના પર બજારની નજર છે.

ક્રૂડતેલના વધતા ભાવ ભારત માટે ત્રેવડો ફટકો સાબિત થઈ રહ્યા છે. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થઈ રહ્યું છે, તો બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડતાં આયાત ખર્ચમાં વધુ વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત પરિવહન ખર્ચમાં પણ મોટો વધારો થતાં મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે.

તહેવારો સહિતના કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ટાળવામાં આવી રહ્યો હોવા છતાં ક્રૂડતેલમાં તેજી યથાવત્ રહે તો ભાવવધારાની શક્યતા નકારી શકાય તેમ નથી. નિષ્ણાતોના મતે મધ્યપૂર્વનું યુદ્ધ સંકટ અને નબળા ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદનમાં ઘટાડાની આશંકા મોંઘવારી વધારી શકે છે. પેટ્રોલ-ડીઝલ મોંઘાં થાય તો પરિવહનથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓ સુધીના ભાવમાં વધારો થવાની ભીતિ છે, જેના કારણે સરકાર સામે મોંઘવારીને કાબૂમાં રાખવાનો મોટો પડકાર ઊભો થઈ શકે છે.

Leave a Comment

और पढ़ें